વડોદરાઃ રાજ્યના મહાનગરોમાં આર્થિકરીતે નબળા વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે રાહત દરે વિવિધ યોજના થકી મકાનો ફાળવવામાં આવે છે. ઘણા લોકો સરકારની આ યોજનાનો લાભ લઈને મકાનોનો કબજો મેળવ્યા બાદ તેને ભાડે આપી દેતા હોય છે. ત્યારે આવા મકાનમાલિકો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. વડોદરામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કલ્યાણ નગર ખાતે બનાવેલા રાજીવ ગાંધી આવાસમાં ભાડે રહેતા ભાડૂઆતોને તત્કાલ મકાનો ખાલી કરી દેવા માટે નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી છે. મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીના પગલે મકાનો વેચાણ રાખીને ભાડે આપનારા મકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા શહેરના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને પોતાનું મકાન મળે તે માટે યોજનાઓ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસો બનાવવામાં આવ્યા છે. જે પૈકી કલ્યાણ નગર ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી જગ્યા ઉપર મ્યુનિ. દ્વારા 529 એફોર્ટેબલ આવાસો બનાવવામાં આવ્યા હતા. જે રાજીવ ગાંધી આવાસ યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ એફોર્ટેબલ રાજીવ ગાંધી આવાસોમાં કલ્યાણ નગર ઝુપડપટ્ટીમાં રહેનારા લોકોને મકાનો ફાળવવામાં આવ્યા હતા. આ યોજનામાં કેટલાક લોકો દ્વારા પોતાની માલિકીના મકાનો ભાડે આપીને બીજી જગ્યાઓએ ઝૂંપડાઓ બાંધીને રહેતા હતા. આથી મ્યુનિની એફોર્ટેબલ હાઉસિંગ વિભાગની ટીમે કલ્યાણ નગર જગ્યા સ્થિત રાજીવ ગાંધી આવાસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. એફોર્ટેબલ હાઉસિંગની ટીમ દ્વારા 4 ટાવરોમાં 100 જેટલા મકાનોમાં ચેકિંગ કરતા 4 પરિવાર ભાડૂઆત તરીકે મળી આવ્યા હતા. મ્યુનિ. દ્વારા તત્કાલ મકાન ખાલી કરવા માટેની નોટિસ ફટકારી દીધી હતી અને તેના મકાન માલિકો સામે કાર્યવાહી શરૂ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે શહેરના ચારે ઝોનમાં મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવ્યા છે. આર્થિક રીતે નબળા લોકોને મકાનો એલોટ કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકો દ્વારા મકાનોમાં રહેવાને બદલે ભાડે આપીને આવક ઊભી કરી રહ્યા છે. આ બાબતે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવે તો અનેક ભાડૂઆતો મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.