રાજકોટઃ શહેરમાં પોલીસના કટકીકાંડએ ભારે ચર્ચા જગાવી હતી. સત્તાધારી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કર્યા બાદ સરકારે તાબડતોબ સીટની રચના કરી હતી. દરમિયાન શહેર ક્રાઈમ બ્રાંચ અને એસઓજીના આઠ જેટલા પીઆઈની બદલીઓ કરવામાં આવી હતી. સીટની તપાસ ચાલુ છે, પોલીસ કમિશનર સામે જ આક્ષેપો સાથની ઢગલાબંધ ફરિયાદો થઈ છે. ત્યારે સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સુપરત કરાયા બાદ પાલીસ કમિશનર મનોજ આગ્રવાલ સામે પણ આનુષંગિક પગલાં લેવાશે.તેવો વિશ્વાસ ધારાસભ્ય ગોવિદ પટેલે વ્યક્ત કર્યો હતો.
રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે શરૂઆત સારી થઈ છે અને પરિણામ સારું આવશે, એવું મને લાગી રહ્યું છે. આ પોલીસ કમિશનર આવ્યા પછી તેમની કામગીરી પદ્ધતિ જે પ્રકારની હતી એ લોકોને સહકાર આપવાને બદલે પરેશાન કરવાની હતી. પોલીસ અને લોકો વચ્ચે મિત્રતાનો ભાવ હોવો જોઇએ. એને બદલે પોલીસ સ્ટેશનો સામાન્ય બની ગયાં હતાં અને પોલીસ કમિશનરે બધા પ્રકારની સત્તા લઈને કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ ન લેવાય અને તેને પૂછ્યા વગર કોઈ કામ ન થાય એવી તેની પદ્ધતિ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના સખિયાબંધુએ શુક્રવારે તપાસનીશ અધિકારી વિકાસ સહાય સમક્ષ ત્રીજી વખત નિવેદન આપી પુરાવા પણ રજૂ કર્યા હતા. હવે તપાસ પૂરી થઈ ગઈ છે. એકાદ-બે દિવસમાં ગૃહ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવે તેવી શક્યતા છે. ત્યાર બાદ રાજકોટના પોલીસ કમિશનર સામે શું કાર્યવાહી કરવી એ અંગેનો નિર્ણય લેવાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ભાજપના ધારાસભ્યે ગૃહમંત્રીને લખેલા પત્ર બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના તમામ અધિકારી બદલી દેવાયા છે. હવે પોલીસ કોન્સ્ટેબલ અને જમાદારની બદલીઓ તોળાઈ રહી છે. ડીજીપીની તપાસ પણ લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે સખિયાબંધુએ પીએસઆઈ અને કોન્સ્ટેબલે રૂપિયા પરત કર્યાની કરેલી વાતથી અનેકવિધ ચર્ચા શરૂ થઈ છે.