અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ પ્રજા પણ કોરોનાને ભૂલી ગઈ હોય તેમ મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો ઉપર ઉમટી પડ્યાં છે. એટલું જ નહીં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને જાહેર અને પ્રવાસન સ્થળ પર માસ્ક વિના ફરનારા લોકો સામે કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે. એટલું જ નહીં લોકોની ભીડ એકત્ર ન થાય તેની તકેદારી રાખવા સૂચન કર્યું છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ ઉચ્ચ અધિકારીઓને એવી તાકીદ કરી છે કે, જાહેર સ્થળોએ માસ્ક વિના ફરતા લોકો સામે આકરા પગલાં લેવાનો સમય આવી ગયો છે. જે વ્યકિતએ માસ્ક નહીં પહેયુ હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરો. ડીજીપીએ પ્રવાસન સ્થળોએ એકત્ર થતી ભીડમાં આવતા લોકો માસ્ક પહેરે અને નિયમોનું પાલન કરે તે માટે ચોક્કસ એકશન પ્લાન તૈયાર કરવા સુચના આપી છે. ધાર્મિક સ્થળોના ટસ્ટ્રીઓ અને સંચાલકો સાથે મીટીંગ કરીને ધાર્મિક યાત્રા ધામ પર આવતા લોકો નિયમોનું મહત્તમ પાલન કરે તેવું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના નાના મોટા શહેરોમાં પણ કાર્યવાહી કરવા આદેશ કર્યેા છે. પોલીસ વડાએ ધાર્મિક ટ્રસ્ટના વડા તેમજ ટ્રસ્ટીઓને પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાના આદેશ આપ્યા છે. પ્રવાસન સ્થળોના સંચાલકોને પણ તેમણે ચીમકી આપી છે.