સુરતમાં સાયબર ક્રાઈમ સતર્ક – લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં ગાર્ડન સહિતના જાહેર સ્થળો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. જેથી લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ત્યારે સાઈબર ક્રાઈમ પણ સતર્ક બન્યું છે અને કોરોનાને લઈને અફવાઓ ફેલાવનારાઓ ઉપર નજર રાખી રહ્યાં છે. દરમિયાન સુરતમાં પોલીસ અધિકારીને નામે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કરનાર સામે સાઈબર ક્રાઈમે ગુનો નોંધીને તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા માટે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ સાઇબર ક્રાઇમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર 16 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર સુરત પોલીસના લોગોનો દુરઉપયોગ કરી ડિજિટલ લેટર પેડ પર અફવા ફેલાવવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે શહેરમાં કોવિડ 19 ના લીધે જલદી જ લોકડાઉન લાદવાની સંભાવના છે. એટલા માટે લોકો સતર્ક રહે. ક્યારે પણ સરકાર આદેશ જાહેર કરી શકે છે. તેના પર સ્પેશિયલ પોલીસ કમિશ્નરના હસ્તાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની જાણકારી સાઇબર ક્રાઇમ પોલીસને થઇ તો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અફવા ફેલાવનારની શોધખોળ ચાલી છે.