Site icon Revoi.in

હડતાળ પર ઉતરેલા તબીબો ફરજ પર હાજર નહીં થાય તો કરાશે કાર્યવાહીઃ નીતિન પટેલ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી હોસ્પિટલોના તબીબો બોન્ડના સમયમાં ફેરફારને લઈને હડતાળ પર ઉતર્યા છે. હાલ અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટની સરકારી હોસ્પિટલના 4 હજાર જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર છે. જેને લીધે આરોગ્ય સેવાને સર પડી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. તબીબો હડતાળ છોડીને ફરજ પર હાજર નહીં થાય તો તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી અને કોઇપણ યોગ્ય કારણો વગર દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આવા તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજી પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થઇ જાય. અન્યથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે આપેલા બોન્ડની શરતો મુજબ એક વર્ષ/ ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિદ્યાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફીથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થતા રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તે તેમની ફરજ છે.

રાજય સરકાર દ્વારા તમામ બોન્ડેડ તબીબોને કોવિડ સમયેની ફરજ માટે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. છેલ્લે 12 એપ્રિલ 2021ના રોજ કરેલા ઠરાવની મુદ્દત 31 જુલાઈ 2021ના રોજ પૂર્ણ થતાં તથા રાજયમાં જુજ સંખ્યામાં કોવિડના કેસોની સંખ્યાને ધ્યાને લઇને રાજયની ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓની સારવાર માટે ઘણી મોટી સંખ્યામાં તબીબોની જરૂરિયાત છે. ત્યારે તેઓને રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે 1લી ઓગસ્ટ 2021થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલી બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે