ભાવનગર: શહેર અને જિલ્લામાં અકસ્માતો વધતા જાય છે. જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચતા આખું જીવન પથારીવશ રહેવું પડે છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મસ્તરામ મંદિર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરના ચિત્રા મસ્તરામ મંદિર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા અને રિક્ષાને પૂરઝડપે આવેલી કારે અડફેટમાં લીધા હતા. કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવાચાલક માર્ગ પર પટકાયો. જ્યારે રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલાઈ ગયો. આ હિટ એન્ડ રનની ઘટનામાં એક્ટિવા ચાલક તેમજ રિક્ષામાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને આ 108 તેમજ શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ઘટનામાં એક્ટિવા ચાલક મુકેશ વાકાણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય બે ઇજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે, પૂરઝડપે હંકારનારો કાર ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ત્યારે આ મામલે ભાવનગર શહેર પોલીસ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.