Site icon Revoi.in

અભિનેતા દિલીપ કુમારનું નિધન,મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Social Share

મુંબઈ : હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું નિધન થયું છે. દિલીપ કુમારે 98 વર્ષની વયે બુધવારે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમાર લાંબા સમયથી બીમાર હતા.મુંબઈની ઘણી વખત તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હવે બુધવારે બોલિવુડના ટ્રેજેડી કિંગએ અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારના અવસાનને પગલે બોલિવુડ અને દેશમાં શોકનું મોજુ છે, ઘણા દિગ્ગજ લોકો તેમને નમન કરી રહ્યા છે.

દિલીપ કુમારે બુધવારે સવારે 7.30 વાગ્યે મુંબઇની ખાર હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલના ડોકટર પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા, તેમણે દિલીપ કુમારના નિધનની પુષ્ટિ કરી છે.

દિલીપ કુમાર છેલ્લા એક મહિનામાં બે વાર હોસ્પિટલમાં દાખલ થયા હતા. 5 જુલાઈએ દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પર તેમની તબિયત વિશે અપડેટ આપવામાં આવ્યું હતું. દિલીપ કુમારની પત્ની સાયરા બાનુના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, દિલીપ કુમારની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તે હજી પણ હોસ્પિટલમાં છે, તમે તેને તમારી પ્રાર્થનામાં રાખો. પરંતુ આ હેલ્થ અપડેટના બે દિવસ બાદ દિલીપ કુમારે વિદાય આપીને આ દુનિયા છોડી દીધી.

દિલીપ કુમારે તેની કારકિર્દીમાં એક થી એક શ્રેષ્ઠ ફિલ્મ આપી છે. દિલીપ કુમાર ટ્રેજેડી કિંગથી જાણીતા હતા. તેમણે 6 દાયકા સુધી શાનદાર કામ કર્યું. તેની કારકીર્દિમાં દિલીપે 65 ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં દેવદાસ, નયા દૌર, મુગલ-એ-આઝમ, ગંગા-જમુના, ક્રાંતિ અને કર્મ સામેલ છે. દિલીપ કુમાર છેલ્લે 1998 માં આવેલી ફિલ્મ કિલામાં જોવા મળ્યા હતા.

એટલું જ નહીં, દિલીપ કુમારનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ આદરણીય ભારતીય અભિનેતા તરીકે નોંધાયું છે.