અભિનેતા-ડાયરેકટર સોહેલ ખાનનો આજે જન્મદિવસ,ઘણી સુપરહિટ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન
- સોહેલ ખાનનો આજે જન્મદિવસ
- અભિનેતાની સાથે મહાન નિર્દેશક પણ છે સોહેલ ખાન
- ઘણી સુપરહિટ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન
મુંબઈ:જીવનના અડધા તબક્કાને પાર કરી લીધો છે સોહેલ ખાને.એક અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા સોહેલ ખાનને આજે કોઈ પરિચયની જરૂર નથી.જોકે, સોહેલ હવે ફિલ્મો કરવામાં ઓછો રસ લે છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં હીરો તરીકે પણ કામ કર્યું હતું. હા, એ બીજી વાત છે કે, તે પોતાના મોટા ભાઈ સલમાન ખાનની જેમ હીરો બની શક્યા નથી.
આજે સલમાન જ તેની ફિલ્મોમાં હીરો તરીકે હોય છે. સોહેલ ખાન હસમુખ સ્વભાવના છે. તેણે સોની ચેનલ પર પ્રસારિત થતા શો ‘કોમેડી સર્કસ’ને પણ જજ કર્યો હતો.આજે સોહેલ ખાનનો 50મો જન્મદિવસ છે.સોહેલ ખાનનો જન્મ 20 ડિસેમ્બર 1970ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો.
તેઓ બોલિવૂડના પ્રખ્યાત લેખક સલીમ ખાનના ત્રીજા પુત્ર છે. તેની માતાનું નામ સલમા ખાન છે. તેને બે ભાઈઓ સલમાન અને અરબાઝ અને બે બહેનો અલવીરા અગ્નિહોત્રી અને અર્પિતા ખાન શર્મા છે.સોહેલ ખાને પ્રારંભિક શિક્ષણ તેના ભાઈ સલમાન ખાન સાથે સિંધિયા સ્કૂલ ગ્વાલિયરમાંથી કર્યું હતું. જ્યારે સોહેલ ખાને સીમા સચદેવા સાથે લગ્ન કર્યા છે જેની સાથે તેને બે પુત્રો યોહાન અને નિર્વાન છે.
સોહેલ ખાનના ફિલ્મી કરિયર પર નજર કરીએ તો વર્ષ 1997માં તેણે ફિલ્મ ‘ઓઝાર’થી નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં તેના મોટા ભાઈ સલમાન ખાન અને સંજય કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી સોહેલે તેના બે મોટા ભાઈઓ સલમાન ખાન અને અરબાઝ ખાન સાથે ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું નિર્દેશન કર્યું.આ પછી તેણે ફિલ્મ ‘હેલો બ્રધર’નું નિર્દેશન કર્યું.આ ફિલ્મમાં સલમાન ખાન, અરબાઝ ખાન અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા.
સોહેલ ખાને વર્ષ 2002માં ફિલ્મ મૈને દિલ તુઝકો દિયાથી અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મમાં અભિનયની સાથે સાથે સોહેલ ખાને વાર્તા લખી, દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું. એક અભિનેતા તરીકે તેની ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ એક સફળ ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો.આ ફિલ્મ પછી સોહેલે ‘આર્યન’ અને ‘પાર્ટનર’ જેવી ફિલ્મો બનાવી.વર્ષ 2010માં સોહેલ ખાન તેના મોટા ભાઈ સાથે ફિલ્મ ‘વીર’માં જોવા મળ્યા. જોકે, આ ફિલ્મ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. પરંતુ તેમ છતાં પણ સોહેલે હાર ન માની અને વર્ષ 2014માં ફરી એકવાર ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો અને ફિલ્મ ‘જય હો’ પ્રોડ્યુસ કરી.