અભિનેતા-રાજકારણી રાજ બબ્બરનો આજે જન્મદિવસ : વાંચો બોલિવુડથી લઈને રાજકીય સુધીની સફર
- અભિનેતા-રાજકારણી રાજ બબ્બરનો જન્મદિવસ
- જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો કર્યો છે સામનો
- લાંબો સમય ફિલ્મ જગતમાં રહ્યા બાદ રાજકારણમાં જોડાયા
મુંબઈ : ઉત્તરપ્રદેશના ટુંડલામાં 23 જૂન 1952માં જન્મેલા અભિનેતા-રાજકારણી રાજ બબ્બર તેમનો 69 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાજ બબ્બરને તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી અભિનયની જીણી-જીણી વસ્તુઓ શીખી ચૂકેલ રાજ બબ્બરની પહેલી ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’ હતી. આ પછી તેણે ફિલ્મ ‘ઇંસાફ કા તરાજુ’માં નેગેટીવ રોલ ભજવ્યો હતો.
‘પ્રેમ ગીત’, ‘નિકાહ’, ‘ઉમરાવ જાન’, ‘અગર તુમ ન હોતે’, ‘હકીકત’, ‘જીદ્દી’, ‘દલાલ’ જેવી શાનદાર ફિલ્મો કરી ચુકેલા રાજ બબ્બર લાંબા સમય ફિલ્મ જગતમાં ગાળ્યા બાદ રાજકારણમાં જોડાયા.
સમાજવાદી પાર્ટી સાથે રાજકીય ઇનિંગ્સ શરૂ કરનાર રાજ બબ્બર લાંબા સમય સુધી પાર્ટીના સ્ટાર નેતા રહ્યા. પરંતુ બાદમાં પાર્ટીના નેતાઓ સાથે તકરાર થઈ હતી. તેઓ સપાને છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ હતા. 2019 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ તેમણે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બર ફિલ્મો કરતા વધારે તેમની લવ સ્ટોરી અંગે ચર્ચામાં રહ્યા. નિષ્ણાંતોના મતે, ફિલ્મ ‘ભીગી પલકે’ માં કામ કરતી વખતે રાજ બબ્બર અભિનેત્રી સ્મિતા પાટિલના પ્રેમમાં પડી ગયા હતા. લાંબા સમય સુધી બંને લીવ ઇન રિલેશનશિપમાં રહ્યા. રાજ બબ્બર પહેલાથી જ પરિણીત હતા અને તેના બે બાળકો પણ હતા.