અભિનેતા આર માધવનને મળી મોટી જવાબદારી,FTIIના અધ્યક્ષ બનાવાયા,માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પાઠવ્યા અભિનંદન
મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આર માધવનને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. અનુરાગ ઠાકુરે લખ્યું, “અભિનેતા માધવનને અધ્યક્ષ તરીકે નામાંકિત થવા પર હાર્દિક અભિનંદન. મને ખાતરી છે કે તમારો વિશાળ અનુભવ અને મજબૂત નૈતિકતા આ સંસ્થાને સમૃદ્ધ બનાવશે, સકારાત્મક ફેરફારો લાવશે અને તેને ઉચ્ચ સ્તરે લઈ જશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.”
આર માધવને અનુરાગ ઠાકુરનો આભાર માન્યો છે. માધવને સોશિયલ મીડિયા X પર લખ્યું, “સન્માન અને શુભકામનાઓ માટે અનુરાગ ઠાકુર જી તમારો ખૂબ ખૂબ આભાર. હું દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આર માધવનનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. અગાઉ શેખર કપૂર આ જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમનો કાર્યકાળ માર્ચ મહિનામાં પૂરો થયો હતો.
Thank you so very much for the honor and kind wishes @ianuragthakur Ji. I will do my very best to live up to all the expectations. 🙏🙏 https://t.co/OHCKDS9cqt
— Ranganathan Madhavan (@ActorMadhavan) September 1, 2023
તાજેતરમાં આર માધવનની ફિલ્મ ‘રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ’ને 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ‘રોકેટ્રી: ધ નંબી ઇફેક્ટ’ એ 2022 ની ભારતીય જીવનચરિત્રાત્મક ડ્રામા ફિલ્મ છે જે આર માધવને તેના દિગ્દર્શક તરીકે પ્રથમ વખત લખેલી, નિર્મિત અને દિગ્દર્શિત કરી છે.આ ફિલ્મ નંબી નારાયણનના જીવન પર આધારિત છે. ‘રોકેટ્રી’ વિશ્વભરમાં હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત છ ભાષાઓમાં રિલીઝ થઈ હતી.
આ પહેલા આર માધવનને આ ફિલ્મ માટે IIFA 2023 માં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ જીવનચરિત્રાત્મક નાટક 5 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ ભારત, ફ્રાન્સ, કેનેડા, જ્યોર્જિયા અને સર્બિયામાં થયું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને સૂર્યાએ કેમિયો રોલ કર્યો હતો.
આર માધવન ફિલ્મોમાં તેના સ્થિર અભિનય માટે જાણીતા છે. જ્યારે પણ તે કોઈ હિન્દી ફિલ્મમાં દેખાય છે ત્યારે તે પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લે છે. ફિલ્મોમાં સફળ કરિયરની સાથે સાથે આર માધવન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આર માધવને સાઉથ અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી કમાલ કરી છે. આર માધવન જેઓ મોટાભાગે દક્ષિણની ફિલ્મો કરે છે, તે હિન્દી ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે જાણીતા છે. આ ફિલ્મના બંને પાર્ટ ફેન્સને ખૂબ પસંદ આવ્યા હતા.
આર માધવન છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે અને તેમનું નામ ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. આ ઉપરાંત તે તેના પુત્રને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે જે ખૂબ જ ટેલેન્ટેડ છે અને તેના પિતાને આખી દુનિયામાં પ્રખ્યાત કરી રહ્યા છે. FTII વિશે વાત કરીએ તો, આ સંસ્થામાં અભિનય સહિતના અન્ય અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. બોલિવૂડના ઘણા કલાકારોએ અહીંથી અભિનયની તાલીમ લીધી છે. તેમાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, ડેવિડ ધવન, શબાના આઝમી અને જયા બચ્ચનના નામ સામેલ છે.