Site icon Revoi.in

વડોદરા કોર્ટમાં હાજર રહેવાથી અભિનેતા શાહરુખ ખાનને મળી મુક્તિ, ગુજરાત હાઇકોર્ટે આપી રાહત

Social Share

વડોદરાઃ શહેરમાં પાંચ વર્ષ પહેલા ફિલ્મ અભિનેતા શારૂખખાન એક ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. તે દરમિયાન વડોદરાના રેલવે સ્ટેશન પર દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં ટી-શર્ટ કાઢીને પ્રમોશન કર્યું હતું તે સમયે લોકોની ભારે ભીડ ઉમટી હતી. અને અફડાતફડી મચી જતાં પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. તે દરમિયાન એક વ્યક્તિનું મોત થતાં શારૂખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ વડોદરાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવા શાહરૂખ ખાને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે શાહરૂખ ખાનને પ્રત્યક્ષ રીતે મેજીસ્ટ્રેટ સમક્ષ હાજ રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા શાહરૂખ ખાનને તેની સામે થયેલી ફરિયાદ સંદર્ભે હાજર થવાના સમન્સને રદ કર્યું છે. જેથી તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે. વર્ષ 2017માં વડોદરા રેલવે સ્ટેશન પર રઈસ ફિલ્મના પ્રમોશન મામલે એક વ્યક્તિનું મોત થયું હતું. જે અંગે શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. વડોદરામાં શાહરુખ ખાન સામે થયેલી ફરિયાદ મામલે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા શાહરૂખને હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેને લઇને શાહરૂખ ખાને મેજિસ્ટ્રેટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે અરજદારના વકીલે જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે મેજિસ્ટ્રેટના સમન્સના હુકમને રદ કર્યો છે. જેથી શાહરૂખને પ્રત્યક્ષ રીતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે.

આ મામલે અભિનેતા શાહરૂખ ખાન તરફથી સિનિયર એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, જેમાં ‘એક વ્યક્તિના મોત થવાનું કારણ સીધી રીતે શાહરુખનું ટ્રેનમાં આવી પ્રમોશન કરવું, તે માની ન શકાય. વડોદરા રેલવે સ્ટેશન ખાતે 23 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે 10 કલાકે શાહરુખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. એક્ટર પર કોચ નંબર A-4માં, જ્યાં તેનું બુકીંગ ન હતું, ત્યાંથી પ્રમોશનલ એક્ટીવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. તેણે વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે માત્રામાં ભીડ એકઠી થઈ હતી, આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, બાદમાં અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. જે મામલે શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા અભિનેતાને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું.