ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી
મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રીમા લાગુએ ટીવી સિરિયલ ઉપરાંત મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. રીમા લાગુને હિન્દી ફિલ્મોમાં માતાના કરેલા રોલને કારણે હંમેશા યાદ રાખવામાં આવશે. હિન્દી ફિલ્મોમાં ઉદાસ અને રોતી માતાઓના બદલે રીમા લાગુએ જીંદાદીલ અને હસતી આધુનિક માતાનો અભિનય કર્યો હતો. ફિલ્મોમાં જ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ તેમની છબી એક આધુનિક માતાની હતી. તેમજ પોતાની ક્ષમતાએ બધુ હાંસલ કર્યું હતું. અભિનેત્રીએ પોતાના કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી.
21મી જૂન 1958માં જન્મેલી રીમા લાગુની અસલી નામ નયન ખદબડે હતું. તેમની માતા મરાઠી ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી મંદાકીની ખદબડે હતા. અભ્યાસ દરમિયાન રીમા લાગુને અભિનયમાં રૂચી જોવા મળી હતી. હાઈસ્કૂલમાં અભ્યાસ બાદ તેમને અભિનયની શરૂઆત કરી હતી. તેમણે અનેક વર્ષો સુધી મરાઠી થિયેટરમાં કામ કર્યું હતું. વર્ષ 1980માં ફિલ્મ કલયુગમાં તેમને સહઅભિનેત્રી તરીકે હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમની મુલાકાત જાણીતા મરાઠી કલાકાર વિવેક લાગુ સાથે થઈ હતી. વિવેક લાગુ સાથે લગ્ન બાદ તેમણે રીમા લાગુ નામ અપનાવ્યું હતું. તેમની એક દીકરી છે જેનુ નામ મુણ્મયી લાગુ છે. લગ્નના કેટલાક વર્ષ બાદ રીમા લાગુ અને વિવેક લાગુ વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. જેથી તેઓ પતિથી અલગ થઈ ગયા હતા.
પતિ વિવેક લાગુથી અલગ થયા બાદ રીમાએ દીકરીની જવાબદારી ઉઠાવી હતી.ચાર દશકની કેરિયરમાં તેમણે છબીને દાગદાર નથી થવા દીધી. હિન્દી ફિલ્મોમાં અજય દેવગન, શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત સહિતના અભિનેતાઓની માતાનો રોલ કર્યો હતો. રીમા લાગુને મેને પ્યાર કિયા ફિલ્મથી ખરી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેમણે અભિનેતા સલમાન ખાનની માતાનો અભિનય કર્યો હતો. આ બાદ તેમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. રિમા લાગુ પોતાના અવસાનના થોડા કલાકો પહેલા પણ શુટીંગ કરતા હતા. સાંજે તેઓ ઘરે ગયા અને અડધી રાતે તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. તેમનું હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે પોતાની કેરિયરમાં 95થી વધારે ફિલ્મો અને ટીવી સિરિયલમાં પણ કામ કર્યું હતું. શ્રીમાન-શ્રીમતી ટીવી સિરિયલ મારફતે તેઓ ઘરે-ઘરે જાણીતા થયાં હતા.