એક્ટ્રેસ તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ પૂછપરછ કરી
મુંબઈઃ ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા હાલના સમયમાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી છે. તાજેતરમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેનું નામ સામે આવ્યું છે. EDએ આ અંગે તમન્નાની પૂછપરછ કરી છે. તમન્ના ભાટીયા ગુવાહાટીમાં ED સમક્ષ હાજર થઈ હતી અને તેને મહાદેવ સટ્ટાબાજીની એપ અને ઓનલાઈન ગેમિંગ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તપાસ એજન્સી ED દ્વારા બોલાવવામાં આવ્યા બાદ તમન્ના ભાટિયા તેની માતા સાથે ગુવાહાટી પહોંચી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, તમન્ના ભાટિયા પર મહાદેવ ઓનલાઈન ગેમિંગની સપોર્ટિવ બેટિંગ એપ એટલે કે ફેરપ્લે પર IPL મેચ જોવાનું ગેરકાયદેસર રીતે પ્રચાર કરવાનો આરોપ છે. આ સંબંધમાં EDએ અભિનેત્રીને સમન્સ પાઠવ્યું હતું. આ બીજી વખત છે જ્યારે મહાદેવ બેટિંગ એપ કેસની તપાસ તમન્ના સુધી પહોંચી છે. આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ફેરપ્લે એપ પર IPL મેચોને પ્રમોટ કરવાના આરોપમાં તેને સમન્સ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડ 15 હજાર કરોડનું હોવાનો અંદાજ છે, જેની તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાદેવ બેટિંગ એપે કથિત રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા વાયાકોમ 18ની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે IPL મેચોનું સ્ટ્રીમિંગ કર્યું હતું, જેના કારણે તેમને મોટું નુકસાન થયું હતું. જ્યારે તમન્ના ભાટિયા કથિત રીતે ફેરપ્લે એપ સાથે સંકળાયેલી હતી જેના કારણે વાયાકોમને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.