કચ્છના મુન્દ્રા ખાતે અદાણી ગૃપ દ્વારા ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાઈ
ભૂજ: કચ્છમાં પણ કોરોનાના કેસ વધતા અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલ-મુન્દ્રા ખાતે 100 બેડની ઓક્સિજન સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે 50 ઓક્સિજન બેડ કોવિડ ટ્રીટમેન્ટ માટે કાર્યરત કરવામાં આવ્યા છે તથા આગામી દિવસોમાં બીજા 50 ઓક્સિજન બેડ સુવિધા સાથે કોવિડ ટ્રીટમેન્ટ માટે શરૂ કરવામાં આવશે. જેને લીધે મુન્દ્રાની જનતા તથા આસપાસના ગામોના લોકોને કોરોના અંગેની સારવાર ત્વરિત મળી રહેશે.
કચ્છમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે અદાણી ગૃપ આવ્યુ છે.કોરોનાની ગંભીર સ્થિતિમાં કોવિડ કેર માટે તબીબી સાધનોની અછત જણાતાં મુન્દ્રા ખાતે કોવિડ કેર હોસ્પિટલની ક્ષમતામાં વધારો કરવા એલાયન્સ હોસ્પિટલમાં અદાણી ગ્રુપ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત એલાયન્સ હોસ્પિટલમાં 50 ઓક્સિજન બેડનો ઉમેરો થયો છે. જે કોરોના દર્દીઓ માટે આશારૂપ પુરવાર થશે. અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે અત્યાધુનિક સી.ટી.સ્કેન મશીનની સુવિધા આગામી દિવસોમાં મુન્દ્રા વાસીઓ માટે ઉપલબ્ધ બની રહેશે. જે માટે અદાણી ગ્રુપ દ્વારા અંદાજિત 1.5 કરોડના ખર્ચે અત્યાધુનિક સી.ટી.સ્કેન મશીનનો ઓર્ડર અપાઈ ગયો છે, આ સુવિધા અત્રે થવાથી હવે સ્થાનિક તથા આસપાસના ગામના દર્દીઓને સી.ટી.સ્કેન માટે ગાંધીધામ-ભુજ જવાની જરૂર નહીં રહે. વધુમાં ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ કેર વર્કરના રસીકરણ માટે અદાણી હોસ્પિટલ મુન્દ્રાની પસંગી થયેલી છે. આ હોસ્પિટલ દ્વારા તાલુકાનાં તમામ ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સનું સફળતાપૂર્વક રસીકરણ થયું છે. ઉપરાંત અદાણી હોસ્પિટલ, મુન્દ્રાની પસંદગી કોવિડ વેક્સિનેશન સેન્ટર ફોર પ્રાઈવેટ હોસ્પિટલ કેટેગરી માટે થઇ છે. જ્યાં સરકારના નિયમ મુજબ રસીકરણ ચાલી રહ્યું છે.