Site icon Revoi.in

પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી સોલારે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું!, 3,669 ઘરોમાં એક વર્ષ સુધી વપરાતી ઉર્જાની બચત થશે

Social Share

પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના હજીરામાં અદાણી સોલારે ટકાઉ ભવિષ્યની દિશામાં સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. તાજેતરમાં ગ્રુપની આંતરીક કંપની વિલ્મરમાં સૌરઉર્જા સંચાલિત પ્લાન્ટ લગાવી કાર્બન ફૂટપ્રીન્ટ ઘટાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌપ્રથમવાર એડવાન્સ રોબોટિક્સ ક્લીનીંગ સીસ્ટમથી સુસજ્જ સોલાર પાવર પ્લાન્ટ કંપનીના રૂફટોપ પર લગાવવામાં આવ્યા છે. નવા પ્લાન્ટથી પર્યાવરણના જતનની સાથોસાથ વીજખર્ચના નાણાંની પણ બચત થશે.

અદાણી વિલ્મર લિમિટેડ કંપનીની છત પર સ્થાપિત સૌર ઉર્જા સંચાલિત પ્લાન્ટ 1.297 MWp ક્ષમતા ધરાવે છે. વીજ ઉત્પાદનમાં કોઈ પણ અવરોધ ન સર્જાય તેમજ પેનલ્સની સાફ-સફાઈ નિયમિત થતી રહે તે માટે એડવાન્સ્ડ રોબોટિક્સ ક્લીનિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. વળી આ સિસ્ટમ કોઈપણ હવામાનની પરિસ્થિતિઓમાં મોડ્યુલને જાળવવાની સ્માર્ટ રીત છે.

અદાણી વિલ્મર લીમીટેડ -AWL પર સ્થાપિત નવો સોલાર પ્લાન્ટ 25 વર્ષ સુધી કાર્યરત રહેશે અને તેનાથી અંદાજે રૂ. 1.35 કરોડની બચત થશે. આ સ્થાયી પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન કાર્બન ફૂટપ્રિન્ટમાં 28774 MTનો ઘટાડો થશે. જે 480,575 થી વધુ વૃક્ષો વાવવાથી થતા ઉત્સજન નિયંત્રણની સમકક્ષ હશે. બીજા શબ્દોમાં કહીએ તો તે એક વર્ષ માટે 6277 કારથી થતા પ્રદૂષણ નિયંત્રણ કે 3,669 ઘરમાં વપરાતી એક વર્ષની ઉર્જા સમાન છે.

પરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાં સૌર ઉર્જા સૌથી સલામત વિકલ્પ છે. વળી સૌર ઉર્જાનો ઉપયોગ વધારવાથી પાવર ગ્રીડ પરનો ભાર અને વીજળી માટે વપરાતા કોલસાનો ઉપયોગ ઓછો થશે. પાવર કટ અને શોર્ટેજની સમસ્યાઓથી છૂટકારો મળશે. આજે જ્યારે કાર્બન ઉત્સર્જનનો પ્રાણપ્રશ્ન ગ્લોબલ બન્યો છે ત્યારે આવા નવા માઇલસ્ટોન ખરેખર પ્રેરણાદાયી અને ઉદાહરણીય છે.