રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અડધો ડઝન ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી અને સેકન્ડ સ્લિપર કોચની સુવિધા પણ મળી રહેશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ઓખા-બાંદ્રા વચ્ચે આવતા અને જતા બંને વખત ક્રિસમસ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આજે અને આવતા સપ્તાહે એટલે કે બુધવારે 28 ડિસેમ્બરના રોજ બાંદ્રાથી આવતી ઓખા ટ્રેન સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી સવારે 6.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 1.35 કલાકે ઓખા પહોંચશે. આ ઉપરાંત અડધો ડઝન ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કરાયો છે. જેમાં ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ઓખાથી 25 ડિસેમ્બરથી અને ગુવાહાટીથી 22 ડિસેમ્બરથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડવામાં આવશે. તેમજ જામનગર-બાંદ્રા હમસફરમાં જામનગરથી 3 જાન્યુઆરીથી અને બાંદ્રાથી 2 જાન્યુઆરીથી બે વધારાના સેકન્ડ સ્લિપર કોચ લગાડાશે. ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસમાં ઓખાથી 6 જાન્યુઆરીથી અને તુતીકોરીનથી 8 જાન્યુઆરીથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડાશે. તથા પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી ટ્રેનમાં પોરબંદરથી 5 જાન્યુઆરીથી અને મુઝફ્ફરપુરથી 8 જાન્યુઆરીથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લાગશે. આ ઉપરાંત પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેનમાં પોરબંદરથી 3 જાન્યુઆરીથી અને રિટર્નમાં 5 જાન્યુઆરીથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લગાડાશે.
પોરબંદર-સિકંદરાબાદ ટ્રેનમાં પોરબંદરથી 3 જાન્યુઆરીથી અને સિકંદરાબાદથી 4 જાન્યુઆરીથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ લાગશે.
આ ઉપરાંત મોતિહારી એક્સપ્રેસ 22 અને 23 ડિસેમ્બરના રોજ વાયા નરકટિયાગંજ-સિકતા-સીતામઢી-મુઝફ્ફરપુર થઈને દોડશે. તેવી જ રીતે મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 25 અને 26 ડિસેમ્બરના રોજ વાયા મુઝફ્ફરપુર-સીતામઢી-સિકતા-નરકટિયાગંજ થઈને ડાઇવર્ટ કરાશે.