AMTSને અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં રૂપિયા 1.15 કરોડની આવક
અમદાવાદઃ અધિક શ્રાવણ અને શ્રાવણ મહિના દરમિયાન લોકો શહેરના ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે તે માટે એએમટીએસ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મહિના દરમિયાન એએમટીએસને 1.15 કરોડની આવક થઈ છે. જોકે આ યોજનાનો લાભ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોએ પણ લીધો હતો.અને પોતાના મત વિસ્તારના લોકોને ધાર્મિક પ્રવાસ કરાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS)ના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરીજનો પવિત્ર અધિક શ્રાવણમાં અને શ્રાવણ માસ દરમિયાન શહેરના વિવિધ મંદિરોના દર્શન કરી શકે તેના માટે એએમટીએસ દ્વારા ધાર્મિક બસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લોકોએ સારોએવો લાભ લીધો હતો. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા પોતાના ખર્ચે આ બંને પવિત્ર માસ દરમિયાન પોતાના મત વિસ્તારના નાગરિકોને ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં વિવિધ મંદિરોમાં દર્શન માટે બસ બુકિંગ કરાવી દર્શન કરાવ્યા હતા. છેલ્લા બે મહિનામાં 1,91,600 પેસેન્જર એ ધાર્મિક બસ પ્રવાસ યોજના અંતર્ગત મુસાફરી કરી હતી. 4790 બસો બુકિંગ થઈ હતી. જેનાથી રૂ.1.15 કરોડની આવક AMTSને થઈ છે.
શહેરમાં એએમટીએસ દ્વારા દર વર્ષે ધાર્મિક બસ પ્રવાસ યોજનાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેને લઇ ચાલુ વર્ષે પણ અધિક શ્રાવણ અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. પાર્ટીની સુચના બાદ યોજનાનો લાભ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોએ પણ લીધો છે. પોતાના ખર્ચે મતવિસ્તારના નાગરિકોને ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં વિવિધ મંદિરોના દર્શન માટે બસ બુકિંગ કરાવીને મોકલ્યા હતા. દરેક ધારાસભ્યોએ અલગ અલગ વોર્ડમાંથી 5 થી 10 બસો બુકિંગ કરાવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અધિક શ્રાવણ અને શ્રાવણ માસ દરમિયાન શહેરમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ અનેક નાગરિકોએ લીધો છે. અધિક શ્રાવણ માસ દરમિયાન 91,960 અને શ્રાવણ માસ દરમિયાન 99,640 એમ મળી કુલ 1,91,600 કેટલા પેસેન્જરોએ લાભ લીધો હતો. અધિક માસ દરમિયાન 2299 જેટલી બસો ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં મૂકવામાં આવી હતી. જેનાથી રૂ. 55,17,600 જેટલી આવક થઈ છે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન 2491 બસ મુકાઈ હતી. જેનાથી રૂ.59,78,400 જેટલી આવક થઈ હતી. આમ કુલ 1.15 કરોડ જેટલી આવક થઈ છે. સૌથી વધારે શ્રાવણ માસના સોમવારે બુકિંગ થઈ હતી. 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે માત્ર એક જ બસ બુક થઈ હતી.