અમદાવાદઃ વૈદિક પરંપરા, ભારતીય જીવનમૂલ્યો અને સનાતન વૈદિક ધર્મ જ વિશ્વ શાંતિનો આધાર બની શકે. પરમાત્મા દ્વારા રચિત વેદના મંત્રોનું માત્ર જ્ઞાન નહીં, ચિંતન કરો. વેદના જ્ઞાનને જીવનમાં અપનાવો. વેદને વિજ્ઞાનની એરણે ચકાસો અને પછી શ્રદ્ધાપૂર્વક વેદના અર્થોને જનમાનસ સુધી પહોંચાડો તેમ રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય- SGVP માં અખિલ ભારતીય વૈદિક સંમેલનનો શુભારંભ કરાવતાં કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કથાકારો-ધર્મગુરુઓ દ્વારા અન્ય ગ્રંથોની કથાઓ થાય છે, તેમ યુવાન વિદ્વાનોએ વેદકથાને પ્રચલિત કરવી જોઈએ. આજે સમાજને વેદકથાની આવશ્યકતા છે.
દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈન દ્વારા તારીખ 20 થી 22 ઓક્ટોબર દરમિયાન અખિલ ભારતીય વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી આવેલા 150 જેટલા વૈદિક વિદ્વાનો સમગ્ર દેશમાં વેદ પ્રતિ પુનર્જાગરણ કેળવવા અને વૈદિક અધ્યયનના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્વતજનોની આ સભાને સંબોધતાં વેદ મંત્રોના સંદર્ભ સાથે ખૂબ મહત્વની વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને સમજવી હશે. અને ભારતને જાણવું હશે તો વેદને જાણવા પડશે. વેદ, દર્શનશાસ્ત્ર, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા ગ્રંથોને નહીં સમજીએ તો ભારતની સાચી ઓળખ નહીં મેળવી શકીએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિદેશી આક્રાંતાઓએ ભારત પર આક્રમણ કરીને આપણા બહુમૂલ્ય ઋષિકૃત ગ્રંથો-આર્ષ પરંપરાના ગ્રંથોને નષ્ટ કરી નાખ્યા પરંતુ વૈદિક વિદ્વાનોએ બહુમૂલ્ય ગ્રંથો અને વેદોને કંઠસ્થ કરીને આપણા સુધી પહોંચાડ્યા છે ભારતીય સંસ્કૃતિ આવા વિદ્વતજનોને ક્યારેય નહીં ભૂલે. કંઠસ્થ વેદો આપણા સુધી પહોંચ્યા પરંતુ તેના અર્થોથી અપરિચિત રહ્યા. દૈનિક જીવનમાં તેનું મહત્વ ન રહ્યું એટલે વેદના અર્થોને જનમાનસ સુધી નથી પહોંચાડી શકાયા. તેમણે આ માટે વેદકથાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
પૃથ્વીની ઉત્પતિ લગભગ બે અબજ વર્ષ પહેલાં થઈ, એવું વૈજ્ઞાનિકો વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે કહે છે. જ્યારે આપણા ઋષિમુનિઓના ગ્રંથોને આધારે કહીએ તો; એક અબજ, 96 કરોડ, 8 લાખ, 53 હજાર, 123 વર્ષ થયાં છે. ભારતીય પ્રાચીન શાસ્ત્રોએ આટલી સચોટતાથી ગણતરી કરી છે. એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ધરતી પર પહેલો માનવ અવતર્યો ત્યારે જ વેદ પણ પ્રગટ થયા છે. અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા નામના ચાર ઋષિમુનિઓના હૃદયમાં પરમાત્માએ સ્વયમ્ વેદોનું જ્ઞાન મૂક્યું હતું. અગ્નિએ ઋગ્વેદ આપ્યો, વાયુથી યજુર્વેદ મળ્યો, આદિત્યએ સામવેદ અને અંગિરાએ અથર્વવેદ આપ્યો. આ વેદોનું જ્ઞાન શ્રુતિ પરંપરા અને ગુરુ-શિષ્ય પરંપરાથી આપણા સુધી પહોંચ્યું છે. મનુષ્ય જ એક માત્ર પ્રાણી છે જે જ્ઞાન મેળવી શકે છે, તેમાં અભિવૃદ્ધિ કરી શકે છે અને પોતાનું જ્ઞાન અન્યને આપી પણ શકે છે. પૂર્ણ પરમાત્માએ આપેલા વેદ જ આ ધરતી અને ધર્મોનો મૂળ આધાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભૌતિક યુગમાં ભોગવિલાસ છોડીને વેદની રક્ષા અને તેના વિસ્તાર માટે પ્રવૃત્ત વિદ્વાન યુવાનોને આ પૂણ્યકાર્ય માટે અભિનંદન આપ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો.
મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈનના સચિવ પ્રોફેસર ડૉ. વિરુપાક્ષ જડ્ડીપાલજીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વૈદિક અધ્યયનની મૌખિક પરંપરાના સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે સ્થાપિત આ પ્રતિષ્ઠાન પાઠશાળાઓ અને અન્ય સંસ્થાઓના માધ્યમથી વેદોના અધ્યયન અને અધ્યાપન માટે પ્રવૃત્ત છે. પ્રતિ વર્ષ અખિલ ભારતીય સંમેલન યોજાય છે, ક્ષેત્રીય સંમેલનો પણ યોજાય છે. અત્યાર સુધીમાં અખિલ ભારતીય કક્ષાના 41 સંમેલનો અને 175 ક્ષેત્રિય સંમેલનો યોજાયા છે. ભારતના 26 રાજ્યોમાં 342 પાઠશાળાઓમાં 1948 ગુરૂજનો દ્વારા 8000 જેટલા વિદ્યાર્થીઓ માટે વૈદિક અધ્યયન અને અધ્યાપન ચાલી રહ્યું છે.