સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવાના પાણી માટે પુરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈ મુશ્કેલી નહીં પડેઃ નીતિન પટેલ
અમદાવાદઃ ગુજરાતમાં અપુરતા વરસાદને કારણે સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે. તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પીવાના પાણી માટે હાલ પૂરતો પૂરતા પ્રમાણમા જથ્થો ઉપલબ્ધ છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે અને લાખ્ખો ખેડૂતોને સિચાઈ માટે તથા લાખ્ખો પશુઓને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે. પરંતુ મધ્યપ્રદેશમા પણ ઓછો વરસાદ હોવાના પરિણામે નર્મદાના કમાન્ડ વિસ્તારમાં પણ ઓછુ પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે. તેમ છતાંય પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને ખેડૂતોને શકય એટલુ પાણી સિચાઈ માટે કેનાલો મારફત આપવામાં આવી રહ્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, ખેડૂતોને તેમનો પાક બચાવવા માટે જે ખેડૂતો કૂવા કે ટયુબવેલ દ્વારા પાણી મેળવી રહ્યા છે એમને આઠ કલાક ના બદલે દશ કલાક વીજળી આપવાનો નિર્ણય રાજય સરકારે અગાઉથી કર્યો છે જેના પરિણામે રોજના એક કરોડ વધારાના વીજ યુનિટ ખેડૂતો આજે વાપરી રહ્યા છે. આ વધારાના વીજ યુનિટ માટેના ખર્ચની સબસીડી ખેડૂતો વતી રાજય સરકાર ચૂકવશે તેમ તેમણે ઉમેર્યુ છે. આમ રાજયના નાગરિકોને પીવાના પાણી અને ખેડૂતોને સિચાઈ માટે પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર સઘન કામગીરી કરી રહી છે.