અમદાવાદ મ્યુનિ.ના પાર્ટી પ્લોટ્સ, અને હોલના એડવાન્સ બુકિંગમાં હવે પુરતુ વેરિફિકેશન કરાશે,
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની માલિકીના અનેક પાર્ટી પ્લોટ્સ અને હોલ આવેલા છે. લગ્નોની સીઝનમાં નાગરિકોને સસ્તા ભાડાંમાં હોલ કે પાર્ટી પ્લોટ્સ ફાળવવામાં આવતા હોય છે. કેટલાક લોકો પોતાના ઘરે પ્રસંગ ન હોવા છતાં પણ બુકિંગ કરાવી અને પૈસા કમાતા હોવાની ફરિયાદો ઊઠી હતી. એક સાથે 5થી 7 જગ્યાએ પ્લોટ કે હોલ બુકિંગ કરાવી દેવામાં આવતું હોય છે. જેના કારણે જે લોકોને ખરેખર હોલની જરૂરિયાત હોય તેઓને મળતો નથી. આ અંગેની ફરિયાદો બાદ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં આ સંદર્ભે ચર્ચા બાદ હોલ અને પાર્ટી પ્લોટના જે પણ નાગરિક દ્વારા હોલ બુકિંગ કરવામાં આવે છે. તેનું વેરિફિકેશન કરવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી. હોલના બુકિંગ અને ડિપોઝિટ પરત આપતી વખતે એમ બંને ટાઈમ વેરિફિકેશન કરવાની પણ સુચના આપવામાં આવી છે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં 6 મહિના પહેલા બુકિંગ કરાવવાનું હોય છે. જો કે કેટલાક લોકો પાર્ટી પ્લોટ અને હોલનું બુકિંગ કરાવી દેતા હોય છે અને એક સાથે 5થી 6 જગ્યાએ હોલ અને પાર્ટી પ્લોટ બુકિંગ કરાવે છે. જે બાબત ધ્યાને આવતા હવે જે પણ નાગરિકો દ્વારા હોલ કે પાર્ટી પ્લોટનું બુકિંગ કરવામાં આવે છે તેઓનું વેરિફિકેશન કરવાની સૂચના આપી છે. જ્યારે પણ હોલ કે પાર્ટી પ્લોટનું બુકિંગ કરાવે તો તે વ્યક્તિના ઘરે જ પ્રસંગ છે કે કેમ અથવા અન્ય કોઈ વ્યક્તિના નામે બુકિંગ કરાવ્યું છે કે કેમ તેનું વેરિફિકેશન કરવાનું રહેશે, જ્યારે તે વ્યક્તિ ડિપોઝિટ પરત લેવા આવે છે તો પણ તેનું વેરિફિકેશન કરવાનું રહેશે.
મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે, મ્યુનિ.ના જન્મ મરણ વિભાગમાં કેટલાક નાગરિકોને સમયસર જન્મ મરણની નોંધણી થતી નથી તેમજ સર્ટિફિકેટ મળતા નથી. જેના કારણે નાગરિકો હેરાન પરેશાન થતા હોવાની ફરિયાદો કોર્પોરેટરોને મળી રહી છે. જન્મ મરણ વિભાગમાં 11 જેટલા વોર્ડમાં કર્મચારી નથી તેના કારણે નાગરિકોને પાછા જવું પડે છે. દરેક વોર્ડમાં બે દિવસે એક વખત જન્મ મરણના કર્મચારીને મૂકવામાં આવ્યા છે. જન્મ મરણ વિભાગના કર્મચારીઓની ઘટ હોવાના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે ઝડપથી ઘટતા કર્મચારીઓની પૂર્તતા કરવા સૂચના આપવામાં આવી છે.