Site icon Revoi.in

જામનગર શહેર અને જિલ્લાને ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો પુરવઠો ઉપલબ્ધ,

Social Share

જામનગરઃ  શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પણ ગત ચોમાસામાં નોંધપાત્ર વરસાદ વરસતાં જિલ્લાના મોટા ભાગનાં જળાશયો છલોછલ થયાં હતાં. સારા ચોમાસાને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો હોવાને કારણે ચૂંટણીના વર્ષમાં તંત્રનું મોટું ટેન્શન દૂર થઈ ગયું છે. આગામી ચોમાસા સુધી જામનગર શહેર અને જિલ્લામાં ગામડાંને આપવા માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. લોકોને પાણીની તકલીફ ન પડે એ માટે તંત્ર અત્યારથી જ તૈયારીઓમાં લાગી ચૂક્યું છે.

જામનગર શહેરમાં વર્ષોથી એકાંતરા જ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરને દરરોજ 125 MLD પાણીની જરૂરિયાત છે. આ જથ્થો જામનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સસોઈ, રણજિતસાગર, ઊંડ-1, આજી-3 અને નર્મદામાંથી પાણીનો જથ્થો મેળવી શહેરીજનોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે છે. જામનગર મ્યુનિના વોટર વર્કર્સ વિભાગના એન્જિનિયરે જણાવ્યું હતું કે આગામી જૂન મહિના સુધી શહેરીજનોને વિનાવિક્ષેપ પાણી મળી રહેશે. શહેરમાં હાલ જ્યાં પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના 6 તાલુકાનાં 417 ગામને નર્મદા પાઈપલાઈનની કનેક્ટિવિટીથી જોડી દેવામાં આવ્યાં છે. આ ગામડાંમાં હાલ પાણીપુરવઠા બોર્ડ દ્વારા દરરોજ 70 MLD પાણી આપવામાં આવી રહ્યું છે. અન્ય જથ્થો ગામના કૂવા, બોરમાંથી મેળવવામાં આવે છે. પાણીપુરવઠા અધિકારીએ કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં પાણી આપવા માટે જે ડેમમાંથી પાણી લેવામાં આવે છે એ આગામી ઓક્ટોબર મહિના સુધી ઉપલબ્ધ રહેશે. જામનગર જિલ્લામાં જૂથ યોજના દ્વારા 205 ગામને પાણી આપવામાં આવે છે, જ્યારે 212 ગામના સ્થાનિક સોર્સ બોર-કૂવામાં હાલ પાણી ઉપલબ્ધ હોવાથી આ 212 ગામ સ્થાનિક સોર્સમાંથી પાણી મેળવે છે. જિલ્લામાં કુલ 3325 હેન્ડપંપ છે અને 7 મિની યોજનાઓ કાર્યરત છે. હેન્ડપંપ રિપેરિંગ માટે 2 ટીમ છે. પાણીપુરવઠા વિભાગ દ્વારા દાવો કરાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષે એકપણ ગામમાં ટેન્કર દોડાવવાં ન પડે એ પ્રકારનું આયોજન કરાયું હોવાનો દાવો કરાયો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,જામનગર શહેર અને જિલ્લાને નર્મદાની બે પાઈપલાઈન મારફત પાણી મળે છે. શહેર-જિલ્લાની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા નર્મદાના પાણીનો ઉપયોગ અનિવાર્ય છે. જોકે આ વર્ષે સારા ચોમાસાને કારણે સ્થાનિક સોર્સમાં પાણી ઉપલબ્ધ હોવાને કારણે જરૂરિયાત મુજબ જ નર્મદાનું પાણી લેવામાં આવી રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં જેમ જેમ સ્થાનિક સોર્સ ખાલી થતા જશે એમ એમ નર્મદામાંથી વધુ પાણી ઉપાડવાનું આયોજન કરાયું છે.