Site icon Revoi.in

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જ્ઞાન સાથે કૌશલ્યનું સમાયોજનઃ PMએ વાઇસ ચાન્સેલર કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ

Social Share

અમદાવાદઃ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટે ‘ઈમ્પિલિમેન્ટિંગ NEP 2020 ટુ ટ્રાન્સફોર્મ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા’ની થીમ સાથે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક બેઠક અને નેશનલ વાઇસ ચાન્સેલર કોન્ફરન્સનો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ-શુભારંભ કરાવાયો હતો.

ડૉ બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી અવસરે એસોશિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીઝ સહયોગથી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના યજમાન પદે તા. 14 અને 15 એપ્રિલ દરમિયાન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં જ્ઞાન સાથે કૌશલ્યના સમાયોજનથી સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત નિર્માણનો સંકલ્પ સાકાર થશે તેમ જણાવ્યું છે.

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના સહયોગથી યોજાયેલી એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક બેઠક અને નેશનલ વાઇસ ચાન્સેલર કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં માર્ગદર્શન આપતા રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણવિદોની ભૂમિકા મહત્વની બની રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે. નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણ માટે એક આવશ્યક માહોલ તૈયાર કરવાનારી છે. શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલા પાયાના કોઈપણ બદલાવના કેન્દ્રમાં શિક્ષક હોવો જોઈએ. શિક્ષણ નીતિ હેઠળ શિક્ષકોને વધુ સક્ષમ બનાવવા માટે તમામ સંભવ પગલાં લેવા પડશે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતુ કે, ડૉ.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતિના અવસરે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ -એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર પરામર્શ સત્રનું આયોજન એક સરાહનીય પગલું છે.

એસોશિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીના પ્રમુખ પ્રૉ. તેજપ્રતાપે કહ્યું હતું કે, AIU અને BAOUના સંયુક્ત ઉપક્રમે યોજાનારા બે દિવસીય નેશનલ વાઈસ ચાન્સેલર્સ મીટ ભારતની નવી શિક્ષણ નીતિ-2020ના પ્રભાવી અને અસરકારક અમલીકરણ માટે ખૂબ જ મદદરૂપ થશે UGCના ચેરમેન પ્રૉ. ડી. પી. સિંઘે જણાવ્યું હતું કે, આજે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શરૂ થયેલી આ ઉચ્ચ કક્ષાની બે દિવસીય મીટ ભારતની નવી શિક્ષણ નીતિ-2020ના અમલમાં ખૂબ મહત્વની સાબિત થશે.

એસોશિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી ડૉ. પંકજ મિતલે કહ્યું હતું કે, AIUના ઇતિહાસમાં પ્રથમવાર બે દિવસીય VC મીટનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થઇ રહ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લેખક શ્રી કિશોર મકવાણા દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ઉપર તૈયાર થયેલા ચાર પુસ્તકો- “વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન” અને “રાષ્ટ્ર દર્શન”નું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું.