- છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના નવા 94 કેસ
- કોરોના કેસને લઈને તંત્ર આવ્યું હરકતમાં
- મનપા કમિશ્નરે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
ભાવનગર: શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોના કેસને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. જેના અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ. ગાંધી દ્વારા સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં સંચાલકો સાથે મિટિંગ યોજીને હોસ્પિટલમાં ચાલી રહેલી તૈયારીઓની મુલાકાત લીધી હતી.
સરકાર દ્વારા ત્રીજી લહેરની ઘોષણા થઈ ગઈ છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કોરોનાનો આંકડાઓ સતત વધતો જાય છે. તેમજ ભાવનગરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના નવા 94 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે.તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેના અનુસંધાને આજે ગુરૂવારના રોજ ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી દ્વારા સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાતમાં તેમણે હોસ્પિટલના સંચાલકો સાથે મિટિંગ કરીને કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી. જેમાં કોરોના વોર્ડમાં ચાલી રહેલું રિનોવેશન કામકાજ આગામી દિવસોમાં વહેલાસર પૂર્ણ થઈ જાય અને કોરોના વોર્ડ જલ્દીથી તૈયાર થઈ જાય તે અંગે ચર્ચાઓ કરી હતી તેમજ આવનારા સમયમાં કોરોનાના કેસને લઈને ગંભીર આંકડાઓ સામે આવે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે હેતુસર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.