Site icon Revoi.in

ગુજરાતમાં પુનઃ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા મુદ્દે સંચાલકોએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સ્કૂલો ધીરે-ધીરે શરૂ થઈ રહી છે. ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કર્યાં બાદ હવે ધો-9 અને ધો-11ના વર્ગો શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. બીજી તરફ લાંબા સમયથી ટ્યુશન ક્લાસિસ બંધ છે. કોરોનાનું સંક્રમણ ઘટતા હવે કોરોના ગાઈડલાઈન અનુસાર ટ્યુશન ક્લાસિસ પણ ફરીથી શરૂ કરવાની માંગણી સાથે ટ્યુશન ક્લાસિસ સંચાલકોનું પ્રતિનિધિ મંડળ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળ્યું હતું. આ બેઠકમાં આગામી દિવસોમાં ટ્યુશન ક્લાસિસ ફરીથી શરૂ કરવાની મંજૂરી મળે તેવા સંકેત શિક્ષણ મંત્રીએ આપ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફેડરેશન ઓફ અકેડેમીક એસોસિએશન ગુજરાતના હોદેદારો શિક્ષણ મંત્રીને ભૂપતસિંહ ચૂડાસમાને મળ્યાં હતા. જેમાં ટ્યુશન ક્લાસિસ પુનઃ શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ બેઠક બાદ ફેડરેશન ઓફ અકેડેમીક એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી. સરકાર દ્વારા ત્રણ દિવસમાં સમગ્ર મામલે નિર્ણય જાહેર કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રની પરવાનગી લીધા બાદ ક્લાસિસ ટૂંક સમયમાં શરૂ કરવાની મંજૂરી મળી શકેશે, આ પ્રકારના સંકેત શિક્ષણમંત્રી ભૂપતસિંહ ચુડાસમાએ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે આગામી કેબિનિટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ કેબિનેટ બેઠકમાં જ ફરીથી ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવા અંગે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.