Site icon Revoi.in

સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં GCAS પોર્ટલ પર 28મી મે સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વર્ષ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીબીએ, બીસીએ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) પર અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે છે. બાદમાં યુનિવર્સિટી, કોલેજ અને કોર્સ બદલી શકાશે. વિદ્યાર્થીઓ એક જ એપ્લિકેશનમાં એક કરતાં વધુ પ્રોગ્રામ, કૉલેજ અથવા યુનિવર્સિટી પસંદ કરી શકે છે, પરંતુ એક જ કોર્સમાં પ્રવેશ લઈ શકાશે. જો કોઈને કામચલાઉ પ્રવેશની ઓફર કર્યા પછી વાંધો હોય તો તે યુનિવર્સિટી કે કૉલેજમાં વાંધો નોંધાવી શકે છે.

ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) પર અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે છે. વિદ્યાર્થીઓને કોઈ પૂછતાછ કરવી હોય તો  હેલ્પલાઇન નંબર 07922880080 જારી કરાયો છે. 7થી 10 જૂન સુધીમાં પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જાહેર કરાશે. 13થી 21 જૂન સુધી પોર્ટલ પર ફાઈનલ એડમિશન લિસ્ટ કરી શકાશે અને મેરિટમાં હશે તો કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરી શકાશે. બીજો રાઉન્ડ 27થી 29 જૂન દરમિયાન શરૂ કરાશે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અગાઉ 70 ટકા શહેર અને જિલ્લાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. હવે કોમન પ્રવેશ પદ્ધતિમાં કોઈ ચોખવટ કરવામાં આવી નથી તેના લીધે વડોદરાના વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ એમએસ યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ ભરવા માટેનું રિમાઇન્ડર મોકલાયું છે. જેમાં જણાવ્યું છે કે, પ્રવેશ માટેની તમારી લાયકાત સુનિશ્ચિત કરવા માટે 28 મે સુધીમાં ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. આ સમય મર્યાદા ચૂકી જવાથી એમએસ યુનિવર્સિટીમાં કોઈપણ અભ્યાસક્રમ માટે અયોગ્ય બની જશે. કોઈ પણ વધુ માહિતી અથવા સહાય માટે કૃપા કરીને જીસીએએસ પોર્ટલનો સંદર્ભ લો અથવા તમામ ફેકલ્ટીઓમાં ઉપલબ્ધ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવાનું પણ સૂચન કર્યું છે.