વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ એમ.કોમમાં ખાલી બેઠકો પર આજે તા.12મીને મંગળવારથી પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પીજી ડિપ્લોમામાં 200 બેઠકો અને એમકોમમાં પણ 300 જેટલી બેઠકો ખાલી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ અપાશે. એટલે કે સ્થળ પર જ પ્રવેશ આપવામાં આવશે.
કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિત ગણાતી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં જે બેઠકો ખાલી પડી હશે તેમાં પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે .આજે તા. 12 સપ્ટેમ્બરને મંગળવારના દિવસે સવારે 10 વાગ્યે સ્પોટ એડમિશનની પ્રક્રિયા હાથ ધરાશે.એટલે કે, પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને સ્થળ પર જ પ્રવેશ આપવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા હોય તેમને સ્પોટ એડમિશન થકી પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ પીજી ડિપ્લોમામાં વિવિધ કોર્સમાં 200થી વધારે બેઠકો ખાલી પડી છે, તેવી જ રીતે એમકોમમાં પણ 300 જેટલી બેઠકો ભરાઇ નથી. પીજી ડિપ્લોમા અને એમકોમમાં એકાઉન્ટ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ બેંકિંગ, કોમર્સ બિઝનેસ મેનેજમેન્ટ, કો-ઓપરેટિવ મેનેજમેન્ટ રૂરલ સ્ટડીઝમાં બેઠકો ખાલી પડી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એમ.એસ યુનિવર્સિટીમાં એમકોમમાં પ્રવેશ કાર્યવાહીમાં છબરડા સર્જાયા હોવાના આક્ષેપો વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે. પાસિંગ સ્ટાન્ડર્ડ સુધી પ્રવેશ કાર્યવાહી કરાઇ નથી, જેના કારણે સરકારના નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. કોર્મસ ફેકલ્ટીમાં છેલ્લા 3 વર્ષની જેમ સપ્ટેમ્બર- ઓકટોબર સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેતા શૈક્ષ્ણિક કેલેન્ડર ફરી ખોરંભે પડે તેવી શકયતા છે.