Site icon Revoi.in

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગઃ AMCની સ્કૂલોમાં ધો-2થી 8માં 30 ટકા એડમિશન વધ્યાં

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ખાનગી સ્કૂલો તોતીંગ ફી વસુલતા હોવાથી વાલીઓની મુશ્કેલીઓ વધી છે. દરમિયાન શહેરમાં મનપા સંચાલિત સ્કૂલમાં સંતાનોને અભ્યાસ માટે મુકવા માટે વાલીઓ આગળ આવી રહ્યાં છે. જેથી મનપા સંચાલિત સ્કૂલોમાં એડમિશન વધ્યાં છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ધો-1માં 20 ટકા અને ધો-2થી 8માં 30 ટકા જેટલા વિદ્યાર્થીઓ વધ્યાં છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2020-21માં ધોરણ 1માં 18216 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું હતું. જેની સામે વર્ષ 2021-22માં 22015 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે એટલે કે 3800 જેટલા વધુ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે. ખાનગી સ્કૂલમાંથી કોર્પોરેશનની શાળામાં એડમિશન લેનાર વર્ષ 2020-21માં 4000 કરતા વધુ હતા. જેની સામે વર્ષ 2021-22માં 5277 વિદ્યાર્થીઓ છે એટલે કે 1200 કરતા વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં આવ્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, સ્કૂલોમાં ધોરણ 1 અને ધોરણ 2થી 8માં સંખ્યામાં વધારો થયો છે. કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે મર્જ પણ કરવી પડી છે. કોટ વિસ્તાર અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું છે જેના કારણે સ્કૂલો મર્જ કરવી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે. જો કે, ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી ઉંચી ફી વસુલવાની સામે મનમાની કરતા હોવાથી વાલીઓમાં પણ નારાજગી ફેલાઈ છે. જેથી અનેક વાલીઓ કંટાળીને પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવાનું ટાળે છે.