- વાલીની 24 લાખની આવક છતાંયે દોઢ લાખની આવક દર્શાવી,
- DEO કચેરીએ તપાસ કરતા ભાંડો ફુંટ્યો,
- હવે પ્રવેશ લેનારા વિદ્યાર્થીએ સ્કૂલ બદલવી પડશે અથવા ફી આપવી પડશે
અમદાવાદઃ ગરીબ પરિવારોના બાળકો ખાનગી સ્કુલોમાં અભ્યાસ કરી શકે તે માટે સરકારે રાઈટ ટુ એજ્યકેશન યાને આરટીઈનો કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત જે વાલીની ફી 1,50 લાખ કે તેથી ઓછી હોય એવા ગરીબ પરિવારોના બાળકોને સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે છે. દરેક ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકો માટે બેઠકો રિઝર્વ રાખવામાં આવતી હોય છે. અને જે બાળકો ખાનગી શાળામાં પ્રવેશ મેળવે છે તેની ફી રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓને આપવામાં આવે છે. ગરીબ પરિવારના બાળકો માટેની આ એક સારી યોજના છે. પણ એનો લાભ શ્રીમંત પરિવારના વાલીઓ લઈ રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલા બાળકોના વાલીઓની આવકની તપાસ કરતા વાલીએની નિયત કરેલી આવક કરતા અનેકગણી વધુ આવક કેટલાક વાલીઓની હતી. આથી આવા 140 બાળકોના આટીઈ હેઠળના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.
સામાન્ય અને ગરીબ પરિવારના બાળકો પણ સારી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે દર વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તેઓને પ્રવેશ આપવામાં આવે છે. એવામાં અમદાવાદમાં કેટલાક શ્રીમંત વાલીઓએ પોતાના બાળકોને મફતમાં ભણાવવા માટે આવકના ખોટા દાખલા રજુ કર્યા હતા. અમદાવાદની અલગ અલગ શાળાઓએ આવકના ખોટા દાખલાના આધારે એડમિશન મેળવી લેવાયા હોવાની ફરિયાદ કર્યા બાદ DEOએ કચેરીએ તપાસ કરતા અનેક વાલીઓની લાખો રૂપિયાની આવક હોવા છતા આવકના ખોટા પુરાવાઓ ઉભા કરી એડમિશન મેળવી લીધા હતા. અમદાવાદ ડીઈઓ કચેરી દ્વાર આવા 140 વિદ્યાર્થીઓને એડમિશન RTEમાંથી રદ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓએ હવે શાળા બદલવી પડશે અથવા જે તે શાળામાં ભણવું હશે તો ફી ચૂકવવી પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઉદગમ, કેલોરેકસ, ઝેબર, કે.એન પટેલ, ગ્લોબલ ઇન્ડીયન, આરપી વસાણી, સહિત શાળાઓમાં RTE હેઠળ અનેક એડમિશન આપવામાં આવ્યા હતા. RTE હેઠળ ફાળવવામાં આવેલા એડમિશનમાં કેટલાક એડમિશન શંકાસ્પદ જણાતા સ્કૂલ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી જેમાં વાલીઓના આવકના પુરાવા તથા ઈન્કમ ટેક્સ રિટર્ન ભેગા કરવામાં આવ્યા હતા. અને શાળા સંચાલકો દ્વારા DEO કચેરીને પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી હતી. વાલીઓની આવક વધુ હોવા છતાં ખોટી આવક દર્શાવી વાલીઓએ એડમિશન મેળવ્યા હતા.આ તમામ પુરાવા સાથે સ્કૂલોએ DEO ને ફરિયાદ કરી હતી.
શાળાઓની ફરિયાદ મળતા જ આ અંગે શહેર DEO રોહિત ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવી હતી.ત્યારબાદ જે વાલીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હતા તેમને રૂબરૂ DEO કચેરીમાં હીયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા.વાલીઓએ હિયરિગ દરમિયાન પોતાનો પક્ષ મૂક્યો હતો જેની સામે DEOએ પુરાવા રજૂ કર્યા હતા.જેથી વાલીઓએ પણ ખોટી.રીતે મેળવેલ પ્રવેશ માટે કબુલાત કરી હતી.આ અંગે DEO દ્વારા 140 એડમિશન રદ કરવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધુ ઉદગમ સ્કૂલમાં 63 અને કેલોરેકસના સ્કૂલના 26 કે જે સૌથી વધુ એડમિશન રદ થયા છે.