ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા દિવાળી પહેલા પૂર્ણ કરાશે, હવે કોલેજ દ્વારા જ પ્રવેશ અપાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશની પ્રકિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે, તેમના માટે ઓફલાઈન પ્રવેશ જે તે કોલેજો દ્વારા આપવામાં આવી રહ્યો છે. અત્યારે મોટા ભાગના કોર્ષમાં ઓફલાઈન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જે દિવાળી અગાઉ જ પૂર્ણ થશે.
ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન રાઉન્ડ બાદ ઓફલાઈન રાઉન્ડ શરુ કરવામાં આવ્યા છે. ઓફલાઈન રાઉન્ડ માટે પણ મેરીટ જાહેર થયું છે અને કાલ સુધીમાં ઓફલાઈન પ્રવેશ માટે ફી ભરીને પ્રવેશ મેળવવાનો રહેશે જે બાદ બાકી રહેલી બેઠક પર કોલેજ કક્ષાએથી જ પ્રવેશ આપવામાં આવશે અને દિવાળી અગાઉ જ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. સીટ વધશે તો દિવાળી બાદ પણ બાકી રહેલ વિદ્યાર્થીઓને કોલેજ પરથી એડમિશન આપવામાં આવશે. લૉ વિભાગમાં પણ LLBના 2 રાઉન્ડ પૂર્ણ થવા આવ્યા છે અને આવતીકાલે ત્રીજા માટે કોલેજમાં કેટલી બેઠક ખાલી રહેશે તે જાહેર થશે. જે બાદ વિદ્યાર્થીઓએ કોલેજ પર જઈને એડમિશન લેવાનું રહેશે. એટલે દિવાળી પહેલા LLBના ૩ રાઉન્ડ પુરા થશે અને મોટા ભાગની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે. LLMમાં પણ અત્યારે મોટા ભાગની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સીટ વધશે તો કોલેજ કક્ષાએ જ વિદ્યાર્થીઓએ જઈને એડમિશન લેવાનું રહેશે. બીએસસીમાં પણ પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહી છે. કોમર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ સિવાય કોઈ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા નથી. હાલ કોમર્સમાં પણ વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ પવામાં આવી રહ્યો છે. દિવાળી બાદ જરૂર પડશે તો બેઠકો પણ વધારવામાં આવશે.