Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશનો થયો પ્રારંભ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ માટે ઓનલાઈન અરજીનો આજથી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) મારફતે તા. 1 થી 10મી ઓક્ટોબર સુધી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ચોઈસ ફિલિંગ કરી શકશે. ત્યારબાદ યુનિવર્સિટીઓ દ્વારા રિસિવિંગ સેન્ટર પર પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. યુનિવર્સિટીઓ દ્વારા 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ માટેની પ્રોસેસ જાહેર કરવામાં આવશે. GCAS રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીઓએ રૂ. 300 ફી ભરવાની રહેશે અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા કે પ્રોસેસ માટે જે ફી નક્કી કરવામાં આવે તે વિદ્યાર્થીઓએ ચૂકવવાની રહેશે. જો કે, NET (નેશનલ એલીજીબિલિટી ટેસ્ટ) પાસને જ એડમિશન મળશે કે પ્રવેશ પરીક્ષા રાખવામાં આવશે તેનો કોઈ કાર્યક્રમ જે-તે યુનિવર્સિટી દ્વારા જાહેર થયો નથી.

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરાયા બાદ જીકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશ પદ્ધતિ અપનાવવામાં આવે છે. પીએચડીમાં પ્રવેશ માટે નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ યાને નેટ પાસ કરેલી હોવી જોઈએ એવી યુજીસીની ગાઈડલાઈન છે. પણ કહેવાય છે કે. આ વર્ષે નેટના સ્થાને કોમન પ્રવેશ પરીક્ષા લઈને જ પીએચડીમાં પ્રવેશ અપાશે. રાજ્યમાં 11 સરકારી યુનિવર્સિટીઓ દ્વારા  ​​​​​​​GCAS (મારફતે પીએચડી પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 1લી ઓક્ટોબરથી પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે અને 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ કાર્યવાહી માટે યુનિવર્સિટી દ્વારા પ્રોસેસ જાહેર કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા GCAS મારફતે ફોર્મ ભરવાનું રહેશે અને તેની સાથે જ ચોઈસ ફિલિંગ, રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ કરી એપ્લિકેશન સબમીટ કરવાની રહેશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીઓએ પોતાના શિડ્યુઅલ અનુસાર ઓનલાઈન એપ્લિકેશનની ચકાસણી કરવાની રહેશે. જેમાં યુનિવર્સિટીના પીએચડી વેરિફિકેશન સેન્ટર ખાતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી પણ કરવાની રહેશે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રોસેસ જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા અરજીની ચકાસણી માટેનું પોતાનું સમયપત્રક જાહેર કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓએ દરેક યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર યુનિવર્સિટીના પીએચડી એપ્લિકેશન વેરીફિકેશન સેન્ટર પર ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે અરજીનું વેરીફિકેશન કરાવવાનું રહેશે. જો વેરીફિકેશન પ્રક્રિયા દરમિયાન કોઈપણ વિસંગતતા જણાય તો અથવા કોઈપણ વિગતમાં સુધારાની જરૂર હોય તો યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીની GCAS એપ્લિકેશનને અનલોક કરશે. ત્યારબાદ વિદ્યાર્થીએ યુનિવર્સિટીની સૂચના મુજબ તેમની અરજીમાં જરૂરી સુધારા કરી અરજી ફરી સબમિટ કરવાની રહેશે. અરજી ફરીથી સબમિટ કર્યા પછી વિદ્યાર્થીએ તેની અરજી ધ્યાનમાં લેવા માટે તેમની અરજીનું સંબંધિત યુનિવર્સિટી દ્વારા ફરીથી વેરીફિકેશન કરાવવાનું રહેશે.