શાળાઓમાં RTE હેઠળ પ્રવેશનો 14મી માર્ચથી થશે પ્રારંભ, 26મી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
અમદાવાદઃ રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે RTE એક્ટ હેઠળ દર વર્ષે બાળકોને ધોરણ 1માં ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. RTE હેઠળ બાળકને પ્રાથમિક શિક્ષણ ખાનગી સ્કૂલમાં વિના મૂલ્યે આપવામાં આવે છે, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે. વાલીઓએ 14 માર્ચથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. અને 26 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. શહેરી વિસ્તારમાં 1.50 લાખ કરતાં ઓછી આવક મર્યાદા હોય તે વાલી પોતાના બાળકનું એડમિશન મેળવી શકશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 1.20 લાખ આવક મર્યાદા ધરાવતા વાલીઓ પોતાના દીકરા-દીકરીઓના એડમિશન મેળવી શકશે.
રાઈટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે RTE એક્ટ હેઠળ દર વર્ષે બાળકોને ધોરણ 1માં ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. RTE હેઠળ બાળકને પ્રાથમિક શિક્ષણ ખાનગી સ્કૂલમાં વિના મૂલ્યે આપવામાં આવે છે. વાલીઓએ આવકના દાખલ સહિતના પુરાવા સાથે 14મી માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, જે 26મી માર્ચ સુધી ભરી શકાશે. તમામ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠક RTE માટે અનામત રાખવામાં આવી છે. વાલીઓ પોતાના રહેણાંકથી 6 કિમી સુધીના વિસ્તારની સ્કૂલ પસંદ કરી શકે છે. RTE યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફી ભરવાની થતી નથી. તદઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. આ માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા જરૂરિયાતમંદ વાલીઓ ડોક્યુમેન્ટ તૈયાર કરી ફોર્મ ભરી શકશે. જેમાં વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ), વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો),તથા વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, તેમજ ચૂંટણી કાર્ડ અને બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની નકલ જોડવી પડશે.