ગુજરાતમાં 6306 સેન્ટરો ઉપર 15થી 18 વર્ષના કિશોરોને રસી આપી સુરક્ષિત કરાશેઃ આરોગ્ય મંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થયો છે અને લગભગ 6306 જેટલા સેન્ટરો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તા. 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી મેગાડ્રાઈવ યોજીને 35 લાખ કિશોરોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં 1200 બેટની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ રસીકરણની કામગીરી સારી રીતે ચાલી રહી છે. ગુજરાતમાં 95 ટકા લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ થયો છે. 6306 સેન્ટરો ઉપર તેમને રસી આપવામાં આવશે અને મેગાડ્રાઈવ યોજીને રાજ્યના 35 લાખ કિશોરોને રસી આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. 10મી જાન્યારીથી કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારથી પીડાતા 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝનને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગુજરાતમાં 23 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આમ ગણતરીના દિવસોમાં જ કિશોરોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે.
કોરોનાના વધતા કેસને લઈને પ્રતિબંધો અંગે કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક ગતિવિધીઓ તેજ બની છે અને એજ્યુકેશન પણ ઓફલાઈન અને ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે. લોકોની આર્થિક મુશ્કેલીઓ ન વધે તે માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર જ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલીઓ, સામાજીક-ધાર્મિક સહિતના કાર્યક્રમોમાં પણ લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.