કોરોનાના ત્રીજી લહેર પહેલા આગોતરૂં આયોજનઃ મેડિકલ-પેરામેડિકલ વિદ્યાર્થીને કોવિડની ડ્યૂટી સોંપી શકાશે
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 25 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે અગમચેતિ દાખવીને નિયંત્રણોમાં બહુ છૂટછાટ આપી નથી. સાથે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેના માટે આગોતરી તૈયીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતને પહોંચી વળવા મેડિકલ- પેરા મેડિકલ સ્ટૂડન્ટ્સને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોમાં તાત્કાલિક નિમણૂકની કામગીરી કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને સત્તા સોંપી છે.
હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતના પગલે રાજ્ય સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં મેડિકલ, ડેન્ટર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી અને નર્સિંગના સ્ટૂડન્ટ્સની સેવા લેવાનો નિર્ણય કરાયો છે. આ માટે કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને આરોગ્ય વિભાગના નાયબ નિયામકો દ્વારા સ્ટૂડન્ટ્સની નિમણૂક કરાતી હતી. હવે જે તે વિસ્તારના સ્ટૂડન્ટસની સેવા લેવા માટે તે વિસ્તારના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા છે. સરકારી, જીએમઇઆરએસ, બ્રાઉન ફીલ્ડ- ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ, મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના વિદ્યાર્થીઓને કોવિડ હોસ્પિટલમાં નિમણૂંક આપી શકાશે. આ માટે કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનર સાથે પરામર્શમાં રહીને કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને નાયબ નિયામકે વિદ્યાર્થીઓને કોવિડ હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરવાની રહેશે.