ગાંધીનગર મ્યુનિ.ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં 31હજારથી વધુ કરદાતાએ મિલક્ત વેરો ભર્યો
ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટની યોજના અમલમાં મુકવામાં આવતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ, કોર્પોરેશનના મિલકતવેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2024-25ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના તા. 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે મ્યુનિને 30 દિવસમાં મિલકતવેરાથી 12.40 કરોડની આવક થઇ છે. રહેણાંક તથા બિન-રહેણાંક કરદાતાઓ પૈકી જે કરદાતાઓ દ્વારા સને 2023-24 સુધીનો સંપૂર્ણ ટેક્ષ/સેસ/વેરા/વ્યાજ વગેરે ભરેલ હોય અને માંગણું શૂન્ય કરાવેલ હોય તેઓ વર્ષ 2024/25 નો મિલકતવેરો એડવાન્સમાં તા.31/05/2024 સુધી ભરી શકશે.
સૂત્રના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ મિલકતવેરો ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન મિલકતવેરો ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન વેબસાઈટ gandhinagarmunicipal.com પર જઈને ભરી શકાશે. જેમાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ, U.P.I, નેટ બેન્કિંગના વિકલ્પ આપવામાં આવેલો છે. જેની ગાઇડલાઇન પણ gandhinagarmunicipal.com પર મૂકવામાં આવી છે. તેમજ ઓફલાઇન મિલકતવેરો રોકડ સ્વરૂપે સવારે 9 થી બર્પોરે 3 કલાક સુધી તથા ચેક દ્વારા સવારે 9 થી સાંજે 5 કલાક સુધી ગાંધીનગર મ્યુનિ.ની ઉત્તર ઝોનની કચેરી પેથાપુર ખાતે, મધ્ય ઝોનની કચેરી એમ.એસ.બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેકટર-11 ખાતે તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારમાં આવેલી જે તે ગામની જૂની પંચાયત કચેરી ખાતે સ્વીકારવામાં આવે છે.
ગાંધીનગર મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કરદાતાઓને બીલ ભરવા આવે ત્યારે જૂનું બીલ કે નાણાં ભર્યાની પાવતી સાથે લાવવી જરૂરી છે. વર્ષ એપ્રિલ – 2024 દરમિયાન 31,099 કરદાતાઓ દ્વારા કુલ રૂ.12.40 કરોડનો મિલકતવેરો એડવાન્સમાં ભરવામાં આવ્યો છે. જેમાંથી કુલ 14,050 ઓ દ્વારા રૂ. 5.52 કરોડનો મિલકતવેરો ઓનલાઇન માધ્યમથી ભરેલો છે. તથા કુલ 17,049 કરદાતાઓ દ્વારા રૂ.6. 88 કરોડનો મિલકતવેરો કચેરી ખાતે ઓફલાઇન માધ્યમથી ભર્યો છે. દરમિયાન કરદાતાઓને મિલકતવેરા માંગણા બીલ વિતરણની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌપ્રથમ વાર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા Whatsapp chathotની મદદથી પણ કરદાતાઓ દ્વારા પેમેન્ટ કરી શકાય તેમજ બીલ ડાઉનલોર્ડ કરી શકાય તે માટેની સેવા પૂરી પાડવામાં આવી છે.