Site icon Revoi.in

તમિલનાડુના વકીલ સ્નેહાને સત્તાવાર રીતે મળ્યું ‘નો કાસ્ટ, નો રિલિઝન’ સર્ટિફિકેટ

Social Share

તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વતની સ્નેહાએ એક એવું કામ કરી દેખાડયું છે કે જેને દેશમાં અત્યાર સુધી કોઈએ કર્યું નથી. વ્યવસાયે વકીલ સ્નેહાએ સત્તાવાર રીતે નો કાસ્ટ- નો રિલિઝન સર્ટિફિકેટ મેળવ્યું છે. એટલે કે હવે સરકારના દસ્તાવેજોમાં સ્નેહાની જાતિ જણાવવાની અથવા તેના સંદર્ભે પ્રમાણપત્ર લગાવવાની તેમને હવે કોઈ જરૂરિયાત રહેશે નહીં.

એમ. એ. સ્નેહા વેલ્લોર જિલ્લાના તિરુપત્તૂરના વતની છે. તેઓ વકીલ તરીકે તિરુપત્તૂરમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હવે સરકાર દ્વારા તેમને જાતિ અને ધર્મ નહીં રાખવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. સ્નેહા અને તેમના માતાપિતા હંમેશાથી કોઈપણ અરજીમાં જાતિ અને ધર્મનું કોલમ ભરતા ન હતા અને તેને ખાલી છોડતા હતા.

લાંબા સમયથી જાતિ અને ધર્મથી અલગ થવાના તેમના સંઘર્ષને પાંચમી ફેબ્રુઆરીએ જીત મળી હતી. તેમને સરકાર દ્વારા આના સંદર્ભે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પાંચમી ફેબ્રુઆરીએ તિરુપત્તૂર જિલ્લાના મામલતદાર ટીએસ સત્યમૂર્તિએ સ્નેહાને નો કાસ્ટ- નો રિલિઝન સર્ટિફિકેટ આપ્યું હતું. સ્નેહાના આ પગલાને એક સામાજિક પરિવર્તન તરીકે જોવામાં આવે છે. ત્યાં સુધી કે અધિકારીઓનું પણ કહેવું છે કે તેમણે આવા પ્રકારનું સર્ટિફિકેટ પહેલીવાર બનાવ્યું છે.

સ્નેહાએ એક તમિલ ન્યૂઝચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છેકે તેમના પરિવારમાં તેમના સિવાય તેમના માતાપિતા અને ત્રણ બહેનો છે. સ્નેહાના માતાપિતા સહીત તેમની બહેનો પણ વ્યવસાયે વકીલ છે. તેમના માતાપિતાએ પોતાની ત્રણેય પુત્રીઓના નામ સ્નેહા, મુમતાઝ અને જેનિફર રાખ્યું છે અને તેની પાછળનો તેમનો ઉદેશ્ય પરિવારના જાતિ અને ધર્મની ઓળખ ઉજાગર થાય નહીં તેવો હતો.

સ્નેહાએ કહ્યું છે કે તેમણે બર્થ સર્ટિફિકેટથી લઈને સ્કૂલના તમામ પ્રમાણપત્રોમાં પણ જાતિ અને ધર્મના કોલમને ખાલી રાખ્યું છે. આ તમામમાં તેમણે ખુદને ભારતીય તરીકે ઉલ્લેખિત કર્યા છે. સ્નેહાનું કહેવું છે કે જે પણ ફોર્મ તેઓ ભરે છે, તેમા તેમને જાતિ પ્રમાણપત્ર આપવાનું જરૂરી છે. તેવામાં તેમને સેલ્ફ એફિડેવિટ લગાવવું પડત. સ્નેહાએ કહ્યું છે કે જે લોકો જાતિ અને ધર્મમાંમાને છે, તેમને જાતિ પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે, તો તેમના જેવા લોકો જેઓ આને નથી માનતા તેમને સર્ટિફિકેટ શા માટે આપી શકાય નહીં?

સ્નેહાના આ પગલાની અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હસને પણ પ્રશંસા કરી છે. કમલ હસને ટ્વિટ કરીને સ્નેહાને આના માટે અભિનંદન પાઠવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે સ્નેહાએ આ સર્ટિફિકેટ માટે 2010માં અરજી કરી હતી. પરંતુ અધિકારીઓ તેની અરજીને ટાળી રહ્યા હતા. પરંતુ 2017માં તેમણે અધિકારીઓ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનું શરૂ કર્યું હતું. સ્નેહાએ કહ્યું હતું કે તિરુપત્તૂરના સબ-કલેક્ટર બી. પ્રિયંકા પંકજમે સૌથી પહેલા આને લીલીઝંડી આપી હતી. તેના માટે તેમણે સ્કૂલના તમામ દસ્તાવેજો ચકાસ્યા હતા અને તેમા કોઈનામાં પણ તેમના જાતિ-ધર્મનો ઉલ્લેખ ન હતો.

સ્નેહાના પતિ કે. પ્રતિભા રાજા વ્યવસાયે તમિલ ભાષાના પ્રોફેસર છે. આ યુગલને ત્રણ બાળકીઓ છે અને તેમના તમામના સ્કૂલ સર્ટિફિકેટમાં જાતિ-ધર્મના કોલમને ખાલી છોડવામાં આવ્યા છે. ત્યાં સુધી કે તેમની પુત્રીઓના નામ પણ બે ધર્મોને સાંકળીને આપવામાં આવ્યા છે- અધિરઈ નસરીન, અધિલા ઈરીન અને આરિફા જૈસી.