અમદાવાદઃ રાજ્યમાં જમીન અને મિલ્કતોની ખરીદીમાં થતી ગેરરીતિ અટકાવવા સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. હવે પાવર ઓફ એટર્નીના આધારે જમીન-મિલ્કતના કૌભાંડ તથા કાનૂની વિવાદ રોકવા માટે રાજય સરકારે મહેસુલી કાયદા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે અંતર્ગત પાવર ઓફ એટર્નીના આધારે મિલકતના વ્યવહારમાં હવે પાવર ઓફ એટર્ની આપનારનુ સોગંદનામું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે અવસાન પામેલી વ્યકિતનાં નામે સાચી-ખોટી પાવર ઓફ એટર્નીના આધારે થતા વ્યવહારો અટકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકારની ગાંધીનગર સ્થિત નોંધણી સર નિરીક્ષક દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે અત્યાર સુધી પાવર ઓફ એટર્નીનાં આધારે થતા જમીન-મિલકત વ્યવહારોમાં પાવર ઓફ એટર્ની ધારકે સોગંદનામું કરવાનુ રહેતું નથી.પરંતુ હવે પાવર ઓફ એટર્ની આપનારે સોગંદનામું પેશ કરવાનું રહેશે.
જેના આધારે પાવર ઓફ એટર્ની આપનારની હયાતીની સાબીતી મળશે. પાવર ઓફ એટર્ની આપનારી વ્યકિત હયાત હોવાની સાબિતી-સોગંદનામારૂપે રજુ કરવામાં આવી ન હોય તો દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારાશે નહિં. પરિપત્રમાં એવુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જમીન-મિલકત વ્યવહારમાં પાવર ઓફ એટર્ની રજુ કરનારને બદલે પાવર ઓફ એટર્ની આપનારનું સોગંદનામું અનિવાર્ય રહેશે અને તેના વિના દસ્તાવેજ નોંધણી નહિં થઈ શકે. કચેરી દ્વારા આ અંગેનો સોગંદનામાનો નિયત નમુનો પણ રજુ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ સરકાર દ્વારા 28-6-2022 નો પરિપત્ર પણ બદલાવવામાં આવ્યો છે. આ પરિપત્રમાં નોંધણી અર્થે રજુ થતાં લેખ કબુલાતના કારણ સિવાય મુલત્વી ન રાખવા જણાવવામાં આવ્યું હતું.
તેમાં વિદેશમાં એક્ઝિકયુટ કરાયેલા પાવર ઓફ એટર્નીનાં આધારે કોઈ લેખ નોંધણી અર્થે રજુ થાય ત્યારે પાવર ઓફ એટર્ની કરી આપનારી વ્યકિતનાં સોગંદનામા ન હોવાના કારણે મુલત્વી ન રાખવા સુચવાયું હતું. પરંતુ હવે લેખ સ્વીકાર્યાના એક મહિના સુધી મુલત્વી રાખી શકાશે. મહેસુલ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે નિયમના આ બદલાવથી પાવર ઓફ એટર્નીના આધારે જમીન પ્રોપર્ટીનાં કૌભાંડો અટકી શકશે એટલું જ નહિં તેના આધારે સર્જાતા કાનુની વિવાદોમાં પણ લગામ આવશે. અનેક કિસ્સામાં પાવર ઓફ એટર્ની લખાવી આપનાર વ્યકિતની હયાતી હોય કે ન હોય, બારોબાર વ્યવહારો થઈ જતા હતા. હવે દસ્તાવેજ નોંધણીમાં પાવર ઓફ એટર્ની આપનારનું હયાતીનું સોગંદનામું ફરજીયાત થયુ હોવાથી હયાત વ્યકિતનું જ પાવર ઓફ એટર્ની માન્ય રહેશે.