Site icon Revoi.in

ગુજરાતમાં અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ ડિજિટલ સર્વિસ મળતી થશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના ડિજિટલ ભારત અન્વયે સાંકળી લઈ એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસિસ પૂરી પાડવાનો અભિગમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અપનાવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે આ હેતુસર સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ ફેઝ-૩ અંતર્ગત ભારત નેટ નેટવર્ક વધુ સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે એક મહત્વપૂર્ણ MOC એટલે કે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન કર્યા છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં આ મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MOC) કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય સંચાર મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા તથા સાયન્સ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ સુશ્રી મોના ખંધાર આ MOC સાઇનિંગના અવસરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતના ડિજિટલ કનેક્ટિવિટી લેન્ડસ્કેપમાં સમાન કવરેજ માટે રાજ્ય સરકારની આગવી પહેલરૂપ ભારત નેટ ફેઝ-1 અને ફેઝ-2 તથા જિલ્લા વચ્ચેના ડિજિટલ ડીવાઇડને દૂર કરી અંતરિયાળ ગામોમાં પણ 98 ટકાથી વધુનો સર્વિસ અપટાઈમ હાંસલ કરવામાં આ MOC ઉપયુક્ત બનશે. આ માટે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે દસ વર્ષના ગાળા માટે વન ટાઈમ કેપેક્સ અને આ સુધારેલ ભારત નેટ પ્રોગ્રામ અન્વયે 6000  કરોડ રૂપિયા માટેનો DPR કેન્દ્ર સરકારને પ્રસ્તુત કર્યો છે.

આ વિસ્તૃત DPRમાં સિગ્નલની શક્તિ વધારવા માટે ફાઇબર ટુ ફાર ફ્લંગ ટાવર ફાઇબરાઇઝેશન, કનેક્ટેડ અને ગ્રાસ રુટ લેવલ ગવર્નન્સ માટે ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ, ફાઇબર ટુ ફેમિલી જેવી સંપત્તિના વ્યાપક ઉપયોગ અને રાજ્યની આગેવાનીના નેટવર્ક ડિઝાઇન અને બહુ-પરિમાણીય અભિગમનો સમાવેશ થાય છે.

ગ્રામીણ આર્થિક સંભવિતતાઓને અનલૉક કરવા માટે ફાઇબર ટુ ફાઇનાન્સિયલ એન્ટરપ્રાઇઝીસ અને કનેક્ટેડ વિશ્વ સાથે નવી રોજગારીની તકોના સર્જનનો પણ આમા સમાવેશ થયેલો છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૯માં “ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ” શરૂ કરાવીને ગ્રામ્ય સ્તરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી ડિજિટલ યુગનો પ્રારંભ કરાવ્યો હતો. તેમના નેતૃત્વમાં ગુજરાતે 2001  થી 2024  સુધી 23 વર્ષમાં જે વિકાસ ક્રાંતિ કરી છે તેની સફળતાની ઉજવણી રાજ્યભરમાં વિકાસ સપ્તાહ તા. 7 થી 15 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. રાજ્યમાં 14 હજારથી વધુ ઈ-ગ્રામ કેન્દ્ર પર 320થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે. હવે ભારત નેટ ફેઝ-3 સાથે બાકીના ઇ-ગ્રામ કેન્દ્રોને 98  ટકાથી વધુ અપટાઈમ નેટવર્કની સુનિશ્ચિતતા સાથે હાઇબ્રીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી થશે.