- અફ્ઘાનિસ્તાનમાં સૈન્ય અને તાલિબાન આમને-સામને
- તાલિબાનને અફ્ઘાનિસ્તાન સૈન્યનો જવાબ
- 300 તાલિબાનીને હવાઈ હુમલામાં કર્યા ઠાર
દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં વધી રહેલા તાલિબાનના આતંક સામે અફ્ઘાન સૈન્યએ મોટી કાર્યવાહી કરી છે. અફ્ઘાન સૈન્ય દ્વારા એક હવાઈ હુમલો કરવામાં આવ્યો જેમાં તાલિબાનના 300થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ માહિતીને અફ્ઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.
બીજી તરફ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના મીડિયા ડિપાર્ટમેન્ટના હેડ દાવા ખાનની હત્યા કરવામાં આવી હતી. જેને પગલે સૈન્ય દ્વારા હવે ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું હતું કે નાંગરહાર, લઘમાન, ગજની, કંધહાર સહિતના આસપાસના અન્ય પ્રાંતમાં અફઘાનિસ્તાન દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા.
જો વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકની તો આ સમય દરમિયાન અફ્ઘાન સૈન્ય દ્વારા 303 આતંકી ઠાર મરાયા હતા તો અન્ય તરફ 125થી વધુ ઘવાયા હતા. બીજી તરફ તાલિબાની આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હિથયારોને પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
જાણકારી અનુસાર તાલિબાન દ્વારા ત્યાંના સ્થાનિક લોકો પર અત્યંત ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને તાલિબાની આતંકીઓ આમ નાગરિકોના ઘરોમાં ઘુસીને તેનો ઉપયોગ છુપવા માટે કરી રહ્યા છે. જેને પગલે હવાઇ હુમલા કરવામાં મુશ્કેલી આવી રહી છે. એવામાં હવે અફઘાનિસ્તાન સૈન્ય દ્વારા પ્રાંતને ખાલી કરાવવાનું અભિયાન ચલાવાઇ રહ્યું છે. એટલે કે આમ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવે છે અને બાદમાં હવાઇ હુમલા કરવામાં આવે છે.