- તાલિબાને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો
- ભારતની ચિંતાને લઈને કહ્યું ,અમારા પર વિશ્વાસ કરો
દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી તે આતંકી પ્રવૃત્તિમાં જ વ્યસ્ત જોવા મળી રહ્યું છે, ત્યારે હવે તાલિબાનીઓને લઈને ભારતના દૃષ્ટિકોણથી સારા સમાચાર મળી રહ્યા છે. તાલિબાને કહ્યું છે કે અફઘાન ભૂમિનો ઉપયોગ ભારત સામે ક્યારેય નહીં થાય.
વિતેલા દિવસને મંગળવારના રોજ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ભારતને રાજદ્વારી રીતે અલગ પાડવાની અટકળોનો અંત લાવી દીધો હતો. કતારની રાજધાની દોહામાં ભારતીય રાજદૂત સાથેની વાતચીતમાં તાલિબાન નેતા શેર મોહમ્મદ સ્ટેનેકઝાઈએ વશ્વાસ અપાવ્યો હતો કે અફઘાન ભૂમિને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવા દેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે સ્ટેનેકઝઈ દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયના પ્રમુખ છે. તેઓ વર્ષ 1980 ના દાયકામાં ઇન્ડિયન મિલિટરી એકેડેમી સાથે જોડાયેલા હતા. રવિવારે તેમણે જાહેરમાં ભારતને આર્થિક અને વ્યાપારી સંબંધો પુનઃસ્થાપિત કરવા હાકલ કરી હતી. છેલ્લા બે દિવસોમાં, સ્ટેનેકઝઈએ નવી દિલ્હી અને દોહા બંનેમાં ભારતીય નેતૃત્વ સુધી પહોંચવાનો અર્થપૂર્ણ પ્રયાસ કર્યો. તેણે છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતની સકારાત્મક ભૂમિકાઓની પણ ખૂબ જ સરહાના કરી છે.
સ્ટેનેકઝઈ સાથે યોજાયેલી આ ખાસ બેઠકમાં કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને અને ભારત આવવા ઈચ્છતા અફઘાનના નાગરિકો, ખાસ કરીને લઘુમતીઓના વહેલા પરત આવવાના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે આતંકવાદને લઈને ભારતની ચિંતા પણ વ્યક્ત કરી હતી. મિત્તલે કહ્યું કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ સ્વરૂપે ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ન થવો જોઈએ. આ દરમિયાન, સ્ટેનેકઝાઈએ આશ્વાસન આપ્યું હતું કે તાલિબાન ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સકારાત્મક કાર્યવાહી કરશે.