- મામલામાં હજી અફઘાનિસ્તાની અને ભારતીય અધિકારોની કોઈ પ્રતિક્રિયા આવી નથી
- એક ઊર્જા પ્લાન્ટમાં કામ કરનારા 7 ભારતીય એન્જિનિયરોને મે-2018માં કિડનેપ કરાયા હતા
અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તાલિબાને બંધક બનાવેલા ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરવામાં આવ્યા છે. તેના બદલામાં તેણે જેલમાં બંધ પોતાના 11 આતંકવાદીઓને મુક્ત કર્યા છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ પ્રમાણે, આ અદલા-બદલી રવિવારે કોઈ ગુપ્ત સ્થાન પર થઈ હતી. છોડવામાં આવેલા 11 આતંકવાદીઓમાં શેખ અબ્દુર રહીમ અને મૌલવી અબ્દુર રાશિદ સામેલ છે. બંને અનુક્રમે કુન્નૂર અને નિમરોજ પ્રાંત માટે તાલિબાનના ગવર્નર તરીકે કામ કરી ચુક્યા છે.
આ અદલા-બદલીને લઈને ભારતીય અને અફઘાની અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તાલિબાને અફઘાનિસ્તાનના ઉત્તરીય બધલાન પ્રાંત ખાતે એક ઊર્જા પ્લાન્ટમાં કામ કરનારા 7 ભારતીય એન્જિનિયરોને મે-2018માં બંધક બનાવી લીધા હતા. તેમાથી એકને માર્ચમાં છોડવામાં આવ્યો હતો, પરંતુ અન્યની કોઈ જાણકારી મળી શકી ન હતી.
બંને તરફથી મુક્તિની પ્રક્રિયા અફઘાનિસ્તાન માટે વિશેષ અમેરિકન દૂત જલ્મે ખલીલજાદ અને તાલિબાનના પ્રતિનિધિ મુલ્લા અબ્દુલ ગની બરદાર વચ્ચેની બેઠકમાં થઈહતી. બરદાર પોતાના 12 સદસ્યોની સાથે પાકિસ્તાન સરકારના આમંત્રણ પર વાતચીત માટે બુધવારથી જ ઈસ્લામાબાદમાં હાજર છે. તાલિબાની પ્રતિનિધિમંડળે પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી સાથે મુલાકાત કરી અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શાંતિ અને સૌહાર્દના મામલે વાતચીત કરી હતી.