ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, સેમિફાઈનલમાં મેળવ્યો પ્રવેશ
નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાઈ રહેલા આઈસીસી ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આ રીતે ભારત સિવાય અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ સાથે જ અફઘાનિસ્તાન આફ્રિકા સાથે ટકરાશે.
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વારંવાર દખલ કરતો રહ્યો હતો. આ પછી ડકવર્થ લુઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બાંગ્લાદેશ માટે ઓપનર લિટન દાસ અંત સુધી અડગ રહ્યો હતો, પરંતુ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. લિટન દાસે 49 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. પરંતુ અન્ય બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. બાંગ્લાદેશના 9 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. અફઘાનિસ્તાન માટે કેપ્ટન રાશિદ ખાન અને નવીન ઉલ હક્કએ સૌથી વધારે ચાર-ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ફઝલહક્ક ફારુકી અને ગુલબ્દીન નઈબએ એક-એક વિકેટ મેળવી હતી.
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી હતી. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને 59 રન ઉમેર્યા હતા. પરંતુ આ પછી અફઘાનિસ્તાનના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયનની નજીક જતા રહ્યા. રહેમાનુલ્લા ગુરબાઝે 55 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે ઈબ્રાહિમ ઝદરાને 29 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, અફઘાનિસ્તાનના સુકાની રાશિદ ખાને છેલ્લી ઓવરોમાં 10 બોલમાં 19 રન ફટકારીને શાનદાર મેચ પૂરી કરી હતી. આ રીતે અફઘાન ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 115 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી રિશાદ હોસૈન સૌથી સફળ બોલર રહ્યો હતો. રિશાદ હાઉસને 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય તસ્કીન અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાનને 1-1 સફળતા મળી છે.