અફઘાનિસ્તાન સંકટઃ PM મોદીએ સર્વદળીય બેઠક બોલાવી, વિદેશ મંત્રાલય પરિસ્થિતિથી કરશે માહિતગાર
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ ઉભી થયેલી અરાજકતાની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. સરકાર વિભન્ન રાજનૈતિક પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે માહિતગાર કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પાર્ટીઓના નેતાઓને જાણકારી આપવાનો નિર્દેશ કર્યો છે. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું છે કે, અફઘાનિસ્તાનના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પાર્ટીઓના નેતાઓને બ્રીફ કરવાનો નિર્દેશ કર્યો છે. તા. 26 ઓગસ્ટના રોજ આ બેઠક યોજાશે
સરકારની બ્રિફિંગમાં અફઘાનિસ્તાનથી લોકોને નિકાળવા માટે ચલાવવામાં મિશનની સાથે તે દેશની સ્થિતિના આકલન ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. તાલિબાનએ દેશમાંથી અમેરિકી સેના પરત ફર્યા બાદ કાબુલ સહિત લગભગ મોટાભાગના મુખ્ય શહેરો અને પ્રાંતમાં કબ્જો જમાવ્યો છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને અફઘાનિસ્તાનમાં વસવાટ કરતા લગભગ 700 ભારતીયોને પરત લાવવામાં આવ્યાં છે. યુદ્ધગ્રસ્ત આ દેશમાં બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાટો અને અમેરિકી વિમાનો દ્વારા અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયા બાદ ભારતએ સોમવારે કતરની રાજધાની દોહાથી ચાર અલગ-અલગ ફ્લાઈટ મારફતે 146 નાગરિકોને પરત લાવ્યાં છે.
રવિવારે પણ બે અફઘાની સાંસદો સહિત 392 લોકોને પરત લાવવામાં આવ્યાં છે. તાલિબાને તા. 15મી ઓગસ્ટના રોજ કાબુલ ઉપર કબજો જમાવ્યો હતો. 17મી ઓગસ્ટ સુધીમાં ભારતે 200 લોકોને બહાર નીકાળ્યા હતા. જેમાં ભારતીય દૂતાવાસ સહિત અફઘાની રાજધાનીમાં દૂતાવાસના અન્ય કર્મચારીઓ પણ સામેલ હતા. છ ઓગસ્ટના રોજ પ્રથમ ફ્લાઈટમાં 40થી વધારે લોકોને પરત ભારત લાવવામાં આવ્યાં હતા. જેમાં મોટાભાગના ભારતીય દૂતાવાસના કર્મચારીઓ હતા. બીજી ફ્લાઈટ 17મી ઓગસ્ટના રોજ ભારતીય રાજનયિકો, અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને ફસાયેલા કેટલાક ભારતીય સહિત 150 લોકોને અફઘાનિસ્તાનથી નીકાળ્યાં હતા.