નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી હુમલાના અનેક કેસમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોવાનું જણાવીને પાકિસ્તાને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લા પાડ્યાં છે. મોસ્ટ વોન્ડેટ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર પોતાની ઘરતી ઉપર હાજર હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મૌલાના મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, મસૂદ વાસ્તવમાં પાકિસ્તાનમાં છે. પાકિસ્તાને તાજેતરમાં મસૂદ અઝહરની ધરપકડ માટે અફઘાનિસ્તાનને પત્ર લખ્યો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે, મૌલાના સંભવતઃ અફઘાનિસ્તાનના નાંગરહાર અને કન્હાર વિસ્તારમાં છુપાયેલો છે.
પાકિસ્તાનના પત્રના જવાબમાં ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે, “જૈશ-એ-મોહમ્મદનો નેતા અફઘાનિસ્તાનમાં નથી. અમે તેના વિશે માત્ર સમાચારો દ્વારા સાંભળ્યું છે. અમારો પ્રતિભાવ એ છે કે મસૂદ અફઘાનિસ્તાનમાં છે તે સાચું નથી. ” તાલિબાનની આગેવાની હેઠળના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આવા આરોપો કાબુલ અને ઈસ્લામાબાદ વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે. તાલિબાનના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્કીએ કહ્યું: “અમે તમામ પક્ષોને કોઈપણ પુરાવા અને દસ્તાવેજો વિના આવા આક્ષેપો કરવાથી દૂર રહેવાનું આહ્વાન કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકીઓનો આકા મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો હોવાનું દુનિયા જાણે છે એટલું જ નહીં પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યું છે. જેથી ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશોએ પાકિસ્તાનને આતંકવાદીઓ સામે કાર્યવાહી સૂચન કર્યું હતું. પરંતુ પાકિસ્તાન આતંકવાદીઓને સહકાર આપવાનું બંધ કરતું નથી.