- આનંદ શુક્લ
- અફઘાન યુદ્ધમાં સોવિયત રશિયાની સેનાઓ સામે ‘આઈડિયોલોજિકલ વેપન’
- અમેરિકાના રણનીતિકારોની મદદથી પાકિસ્તાને તૈયાર કર્યુ ‘આઈડિયોલોજિકલ વેપન’
- અફઘાન યુદ્ધનું ‘આઈડિયોલોજિકલ વેપન’ હવે ‘ગ્લોબલ જેહાદિસ્ટ ટેરરીઝમ’
- સોવિયત સંઘ સામેની ગ્રેટ ગેમમાં અમેરિકાએ ‘દૂધ પાઈને સાપ ઉછેર્યા’
દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ છેલ્લા 200 વર્ષથી ઘણી દુભર છે. તેમા વૈશ્વિક મહાસત્તાઓની પ્રાદેશિક શક્તિઓની ઉપેક્ષા કરીને હસ્તક્ષેપ કરવાની રણનીતિ એક વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ છે અને તેનાથી સ્થિતિ વધુ વણસી છે. જે વિચારધારા સામે અમેરિકા 9/11ના ડબલ્યૂટીઓ પરના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે યુદ્ધ કરી રહ્યું છે. તે ઈસ્લામિક વિચારધારાની કટ્ટરતાવાદથી ઈસ્લામિક આતંકવાદ સુધીના વૈચારીક પ્રવાસનુ નામ પાકિસ્તાન, આઈએસઆઈ, જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તૈયબા, તાલિબાન, અલકાયદા કે આઈએસઆઈએસ અથવા બીજું કોઈપણ હોઈ શકે છે. ઈસ્લામિક કટ્ટરવાદે પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફઘાનિસ્તાનથી લઈને 1947 પહેલા અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓથી રંજાડયો છે.
ઈસ્લામિક વિચારધારાના સંકુચિત અર્થોથી બ્રિટિશરો અપરિચિત ન હતા અને આવા જોખમોને જાણવા છતાં ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક આતંકવાદ-અંતિમવાદને છૂટોદોર આપતી પોતાની સોવિયત સંઘના કમ્યુનિઝમ સામેની ગ્રેટ ગેમ ખેલી હતી.
કોલ્ડવોરના સમયગાળામાં સોવિયત સંઘને તોડવા અને બરબાદ કરવાની વ્યૂહરચનામાં દુશ્મનના દુશ્મને દોસ્તની રણનીતિ હેઠળ અમેરિકા અને પશ્ચિમી દેશોનો સૌથી વધુ રાજકીય-કૂટનીતિક અને લશ્કરી દુરુપયોગ કોઈએ કર્યો હોય, તો આતંકવાદના એપી સેન્ટર બની ચુકેલા પાકિસ્તાને કર્યો હતો. સોવિયત સંઘ સામેની લડાઈમાં અમેરિકાએ ઈજાદ કરેલું આઈડિયોલોજીકલ વેપન હવે વૈશ્વિક જેહાદી આતંકવાદ તરીકે આખી દુનિયા સામેના સૌથી મોટા ખતરામાંથી એક બની ગયુ છે.
જો કે અમેરિકાના આતંકવાદ સામેના યુદ્ધમાં પાકિસ્તાનનો સાથ બિલાડીને દૂધના રખોપા સોંપવા જેવો સાબિત થયો છે. આ વાત અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણી વહેલી સમજાઈ ચુકી છે. જો કે અમેરિકા અહીં 16-17 વર્ષથી આતંકવાદને સમાપ્ત કરવા માટે લોહી રેડી રહ્યું છે, પરંતુ હજી સુધી પાકિસ્તાન દ્વારા પોષવામાં આવતા તાલિબાનોના ઈસ્લામિક આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈ તેના તાર્કિક અંત સુધી પહોચીં શકી નથી. આ લડાઈમાં આતંકવાદી તાલિબાનો સાથે અમેરિકા દ્વારા શાંતિ માટેની વાટાઘાટો નવ તબક્કા સુધી ચલાવવામાં આવી. પરંતુ તાલિબાનોની રક્તપિપાસાને કારણે અમેરિકાને શાંતિ માટેની વાટાઘાટોનું પરિણામ ખબર પડતા તેને બંધ રાખવામાં આવી છે.
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાન અને તાલિબાનોના વર્ચસ્વ વધવાનો સીધો અર્થ ભારત સામે વ્યૂહાત્મક પડકારોમાં વધારો થવાની શક્યતા દર્શાવે છે. ચીન-રશિયા તાલિબાનો સાથે શાંતિ વાટાઘાટોમાં પાકિસ્તાનના આઈએસઆઈએસના અફઘાનિસ્તાનમાં વર્ચસ્વ વધવાના તર્કને આધારે સંમત થતા દેખાઈ રહ્યા છે. પરંતુ તાલિબાનોનું રાજકીય પ્રક્રિયામાં આવવું અને તેમનું અફઘાનિસ્તાનની સત્તા પર ફરીથી કાબિજ થવું એ એક રીતે આતંકવાદ અને આતંકવાદી વિચારધારાને વૈશ્વિક માન્યતા જેવું જ સાબિત થશે.
દક્ષિણ એશિયામાં અમેરીકા પોતાના વ્યૂહાત્મક ગણિતને આધારે કામ કરી રહ્યું છે. તેના માટે ભારત અને પાકિસ્તાન તેના સામરીક કોયડાનો ઉકેલ મેળવવાની બે બાજુઓ છે. અમેરિકાને ભારત ચીન સાથે દ્રઢ વલણ અપનાવે તે પસંદ છે, પરંતુ ભારત પાકિસ્તાન સાથે કડક વલણ ન અપનાવે તેના માટે પ્રયત્નો કરતું દેખાતું રહ્યું છે. જો કે તાજેતરમાં હાઉડી મોદી કાર્યક્રમમાં વ્યૂસ્ટન ખાતે એકમંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની હાજરીમાં આતંકવાદને લઈને પાકિસ્તાનના નામોલ્લેખ વગર તેને આકરો સંદેશો આપ્યો હતો. આ સંદેશાની વાત ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની દ્વિપક્ષીય મુલાકાતમાં પણ સાંભળવા મળી હતી અને રાગ કાશ્મીર આલાપતા આતંકીસ્તાન પાકિસ્તાનને આતંકનો ખેલ બંધ કરવાની હિદાયત પણ ટ્રમ્પ દ્વારા આપવામાં આવી હતી. એટલે હાલ દેખાઈ રહ્યું છે કે અમેરિકાની નીતિમાં હવે આતંકીસ્તાન પાકિસ્તાનની જગ્યા ભૂંસાતી જઈ રહી છે અને 1979થી સોવિયત સેનાઓ સામે અફઘાનિસ્તાનમાં લડવા માટે જે આઈડિયોલોજિકલ વેપન અમેરિકાના રણનીતિકારોએ શોધ્યું અને પાકિસ્તાને તેને ધારદાર બનાવ્યું તેના વિસર્જનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે.
આનું આગળના તબક્કામાં એવું પરિણામ આવશે, કે પાકિસ્તાનની ભારત સામેની આક્રમક હરકતો પર અમેરિકા કડક વાંધો ઉઠાવે અને ભારત વધુ કડક જવાબ પાડોશી દેશને આપે. પાકિસ્તાનના ચીન તરફી ઝુકાવને પણ અમેરિકા પોતાના સામરિક સમીકરણોની ગણતરીમાં અલગ હિસાબ માંડવાની શરૂઆત કરી દેશે.
આમ તો કોલ્ડ વોરની સમાપ્તિ પછી અને સોવિયત રશિયાના વિઘટન બાદ વૈશ્વિક પરિદ્રશ્યની સાથે દક્ષિણ એશિયાના વ્યૂહાત્મક ગણિત અને પરિસ્થિતિમાં ધરખમ ફેરફારો થયા છે. રશિયા વૈશ્વિક મહાસત્તા હોવા છતાં તેનો કોલ્ડ વોરના સમયગાળા જેવો પ્રભાવ દેખાઈ રહ્યો નથી. તો ભારતના નીતિનિર્ધારકો રશિયા સાથેની સદાબહાર મૈત્રીને અક્ષુણ્ણતાથી જાળવીને અમેરિકાની નજીક પહોંચવાના વિકલ્પ પર આગળ વધ્યા છે. આ સિવાય અમેરિકા અને રશિયાના ઘનિષ્ઠ મિત્ર ઈઝરાયલ સાથે પણ ભારતે ઘણાં પ્રગાઢ સંબંધો કેળવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે યુદ્ધ લડી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદીઓના અભ્યારણ બની ચુકેલા વિસ્તારો પર કેટલાક ડ્રોન હુમલા કરીને સંતોષ માની રહ્યું છે. હકીકતમાં અમેરિકાએ પાકિસ્તાનમાં ટેરર હબ્સ પર ઘાતક અને ભીષણ લશ્કરી કાર્યવાહી કરવાની જરૂર છે. અલકાયદા ચીફ ઓસામા બિન લાદેન સામેનું એબટાબાદ ખાતેનું ઓપરેશન હકીકતમાં આવી કાર્યવાહીની શરૂઆત હોવી જોઈતી હતી. પરંતુ ત્યાર બાદ અમેરિકા પાકિસ્તાનમાં આવી કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. આ એવી જ ભૂલ છે કે જેવી સોવિયત રશિયાની સેનાઓએ અફઘાનિસ્તાના યુદ્ધ વખતે કરી હતી. અફઘાનિસ્તાનના આઈએસઆઈ અને પાકિસ્તાની સેના દ્વારા તાલીમબદ્ધ તાલિબાની અને પાછળથી અલકાયદામાં જોડાયેલા મુજાહિદ્દીનોની સપ્લાઈ લાઈન કાપવા માટે સોવિયત રશિયાની સેનાઓએ પાકિસ્તાન પર હુમલો કર્યો ન હતો. તેના કારણે અફઘાન યુદ્ધમાં નામોશી સાથે ખુવાર સોવિયત રશિયાના વિઘટન જેવી ઘટના-દુર્ઘટનાઓ બની હતી.
ડબલ્યૂટીઓના ટ્વિન ટાવર પરના અલકાયદાના આતંકી હુમલા બાદ અમેરિકાના દ્રષ્ટિકોણમાં ફેરફાર આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામિક આતંકવાદને ખતમ કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદના મુખ્ય સ્ત્રોતોમાંથી એક એવા સાઉદી અરેબિયાના આવા તત્વોને ઝેર કરવા માટે કોઈ રણનીતિ અપનાવી રહ્યા નથી. તેમના માટે ઈરાન દુનિયાનું નંબર વન આતંકી રાષ્ટ્ર છે. જો કે ઈરાન દક્ષિણ એશિયામાં આતંકી પ્રવૃત્તિમાં સામેલ હોવાની કોઈ ઘટના સામે આવી નથી. મધ્ય-પૂર્વ એશિયામાં યમન, સીરિયા, ઈરાક જેવા સ્થાનો પર ઈરાન સમર્થિત જૂથો સક્રિય છે અને અમેરિકાના હિતો માટે નિશ્ચિતપણે તે માથાનો દુખાવો છે. પરંતુ ઈરાનથી મોટા ખતરા સાઉદી અરેબિયા-પાકિસ્તાનના જેહાદી તત્વોની આતંકી રમતો સામે અમેરિકા આંખ આડા કાન કરતું રહ્યું છે.
અમેરિકાના દ્રષ્ટિકોણમાં આતંકવાદ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા હોવાની વાતથી શરૂ થયેલી સમજમાં ઘણા મોટા પરિવર્તનો થઈ ચુક્યા છે. પરંતુ હજીપણ મોટા અને વ્યાપક પરિવર્તનોની જરૂરત છે. આતંકવાદ સારો અને ખરાબ હોતા નથી. આતંકવાદ એ આતંકવાદ છે અને તે હંમેશા ખરાબ છે. આ સમજ પણ અમેરિકાએ પોતાની રણનીતિમાં ઉતારવાની જરૂર પડવાની છે. 21મી સદીના નવા ભૂરાજકીય પરિદ્રશ્યમાં ભારત અને અમેરિકાએ મજબૂત વૈશ્વિક સહયોગી બનીને વિકાસ અને વિશ્વ શાંતિ માટે અફઘાનિસ્તાનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો પડશે.