નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં યુએન મિશન દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, 2021માં વિદેશી સેના ગયા બાદ તાલિબાન સત્તામાં આવ્યા પછી એક હજારથી વધુ અફઘાન નાગરિકો બોમ્બ ધડાકા અને અન્ય હિંસામાં માર્યા ગયા છે. યુએન મિશન ટુ અફઘાનિસ્તાન (યુએનએએમએ) અનુસાર, 15 ઓગસ્ટ, 2021થી માર્ચ 2023 સુધીમાં 1,095 નાગરિકોના મૃત્યુ થયાં છે અને 2,679 ઘાયલ થયા છે, આમાંના મોટાભાગના મૃત્યુ (700 થી વધુ) ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણોને કારણે થયા છે, જેમાં મસ્જિદો, શૈક્ષણિક સંસ્થાઓ અને બજારો જેવા જાહેર સ્થળોએ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2021 માં નાટો સમર્થિત દળના પતન પછી તાલિબાને સત્તા સંભાળી ત્યારથી સશસ્ત્ર લડાઈમાં નાટ્યાત્મક ઘટાડો થયો હોવા છતાં, સુરક્ષા પડકારો યથાવત રહ્યાં છે, ખાસ કરીને ઇસ્લામિક સ્ટેટ તરફથી સુરક્ષા પડકારો જોવા મળી રહ્યાં છે.
UNAMAના જણાવ્યા અનુસાર મોટાભાગના હુમલાઓ માટે આતંકવાદી જૂથ જવાબદાર છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓછી હિંસક ઘટનાઓ બનવા છતા હુમલાનું પ્રમાણ વધ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે, ” UNAMAએ ડેટા માત્ર આવા હુમલાઓથી નાગરિકોની જાનહાનિને જ પ્રકાશિત કરતું નથી, પરંતુ 15 ઓગસ્ટ 2021 થી આત્મઘાતી હુમલાઓની ઘાતકતામાં પણ વધારો થયો છે, હુમલાઓ ઘટવા છતા મોટી સંખ્યામાં નાગરિકો ઈજાગ્રસ્ત થયાં છે.
તાલિબાને કહ્યું છે કે તેઓ દેશને સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તાજેતરના મહિનાઓમાં ઈસ્લામિક સ્ટેટને લઈને અનેક સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં છે. યુએનએએમએના જણાવ્યા અનુસાર ઇસ્લામિક સ્ટેટના હુમલામાં 1,700 થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, તાલિબાન સરકારના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રને વળતો જવાબ આપતા કહ્યું હતું કે ઇસ્લામિક અમીરાત તરીકે ઓળખાતી તેની સરકાર સત્તા સંભાળે તે પહેલા અફઘાનિસ્તાને દાયકાઓના યુદ્ધ દરમિયાન સુરક્ષા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ હવે અહીં સ્થિતિ સુધરી રહી છે.