Site icon Revoi.in

અફઘાનિસ્તાને પાકિસ્તાનને દર્પણ બતાવ્યું, ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધનો ફોટો શેર કર્યો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે અફઘાન તાલિબાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, જો તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને પાકિસ્તાનમાં હુમલાઓ કરતા નહીં રોકે તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખીશું. આનો જવાબ અફઘાન તાલિબાનના નાયબ વડા પ્રધાન અહેમદ યાસિરે ખૂબ જ આકરા શબ્દોમાં આપ્યો છે. યાસિરે 1971માં ભારતના હાથે પાકિસ્તાની સેનાની હાર અને આત્મસમર્પણનો ફોટો શેર કરીને કહ્યું હતું કે, આ પ્રકારનું પરિણામ યાદ રાખો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. લગભગ બે મહિનાથી બંને દેશોની સરહદ એટલે કે ડ્યુરન્ડ લાઇન પર ફાયરિંગની ઘણી ઘટનાઓ બની છે. જેમાં પાકિસ્તાનના 12 સૈનિકો અને 7 નાગરિકોના મોત થયા છે. ટીટીપી પણ પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં તેણે ઈસ્લામાબાદમાં ફિદાયીન હુમલો પણ કર્યો હતો.

TTP પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સેના અને સરકારમાં ભય ફેલાયો છે. દરમિયાન પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે TTP હુમલા માટે અફઘાન તાલિબાનને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ કહ્યું કે, TTP આતંકવાદીઓ પાકિસ્તાનમાં હુમલા બાદ અફઘાનિસ્તાનમાં આશ્રય લે છે. જો આ હુમલા બંધ નહીં થાય તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આ આતંકવાદીઓને મારી નાખીશું. અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનના કયા ભાગોમાં અને ટીટીપીના આતંકવાદીઓ ક્યાં આશ્રય લે છે. તેમને ત્યાંથી હથિયાર પણ મળે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ ઉપર છેલ્લા કેટલાક સમયથી બંને દેશના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે. બીજી તરફ બંને દેશના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે.