Site icon Revoi.in

આફ્રિકા : નવું યુદ્ધક્ષેત્ર કે નવું બજાર?

Social Share

(સ્પર્શ હાર્દિક)

ભારત પર જ્યારે બ્રિટિશ સત્તાનો દબદબો હતો, ત્યારે આફ્રિકામાં પણ અંગ્રેજો સિવાય, ખંડના ઉત્તરમાં નોંધપાત્ર હિસ્સા પર ફ્રેન્ચ સત્તા શાસન ચલાવતી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી જગતના રાજકીય ચિત્રમાં પરિવર્તન આવ્યું અને અંગ્રેજોએ સત્તાનો સાથરો સંકેલવો પડ્યો. ફ્રાન્સે પણ આફ્રિકામાંથી અંતે વિદાય લીધી, પરંતુ એણે આફ્રિકા પર પરોક્ષ રીતે રાજ્ય ચલાવ્યા કર્યું, જે વર્તમાન સમય સુધી અમુક અંશે કાયમ રહ્યું છે. આફ્રિકાના નાના-મોટા ચૌદ દેશોના ચલણી નાણા ‘CFA’નું મોનિટરિંગ કહો કે કન્ટ્રોલ ફ્રાન્સ કરે છે. કુદરતી સંપદાથી ભરપૂર આફ્રિકા ખંડની ધરાને શોષવાનું કામ પણ ફ્રાન્સ દ્વારા હજુ ચાલુ છે. આવામાં ગયા મહિને રિપબ્લિક ઑફ નાઇજેર નામક દેશમાંથી બળવો થયાના સમાચાર આવ્યા. ત્યાંના પ્રેસિડૅન્ટને પદભ્રષ્ટ કરી સૈન્યએ સત્તા આંચકી લીધી. 

આ ઘટના થોડાં વર્ષોથી જીઑપૉલિટિક્સમાં આવી રહેલા બદલાવની શૃંખલાની જ એક કડી છે, જેમાં અમેરિકાની આગેવાની ધરાવતું વેસ્ટર્ન ફ્રન્ટ બળ લગાવીને ઇસ્ટમાં ફરી માથું ઊંચકી તાકતવર થવા ઇચ્છતાં રશિયાને કચડવાના પ્રયાસમાં છે. આફ્રિકા ખંડના ઉત્તરમાં, ભારતને સમાંતર પડતો એક પટ્ટો સાહેલ પ્રાંત તરીકે જાણીતો છે, જ્યાં ગુલામીકાળના પડછાયા જેમ ફ્રાન્સનો પ્રભાવ હજુ પણ અકબંધ છે. રિપબ્લિક ઑફ નાઇજેર આ જ સાહેલ પટ્ટામાં પડે છે. ફ્રાન્સની ઊર્જાની આશરે ૭૦% જરૂરિયાત ન્યૂક્લિઅર પ્લાન્ટ પૂરી પાડે છે અને એમાંનું ઈંધણ, યુરેનિયમ ફ્રાન્સ મેળવે છે નાઇજેરમાંથી. અતીતમાં ફ્રાન્સનું દમન સહન કરી ચૂકેલા આફ્રિકન દેશોનું આજે પણ મૂલ્યવાન સંસાધનો માટે ફ્રાન્સ શોષણ કર્યા કરે ત્યારે દેખીતું છે કે આ હકીકત ત્યાંની જનતા માટે કષ્ટદાયક બની જાય. પરિણામે સાહેલ પટ્ટાના દેશોમાં લાંબા સમયથી સપાટી નીચે ઉકળી રહેલો રોષ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે, જેમાં ફાવી રહ્યા છે બે દેશ – રશિયા અને ચીન. 

નાઇજેરમાં જ થયેલા સૈન્ય બળવા જેવી ઘટના જૂનમાં રશિયામાં આકાર પામી અને ઝડપથી ભૂલાઈ પણ ગઈ. આ ઘટનામાં ઘણું ચર્ચાયેલું નામ એટલે વેગનર ગ્રુપ. ભેદી કહેવાતું અને અન-અધિકૃત રીત રશિયન સેનાનો જ એક ભાગ ગણાતું આ ખાનગી લશ્કરી દળ જેવું સંગઠન રશિયાના હિતો સાચવવા પડદા પાછળ રહીને કામ કરતું રહે છે. આ પહેલાં યુક્રેન યુદ્ધમાં અને એ પહેલાં સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ સામેના સંઘર્ષમાં રશિયાને મદદરૂપ થનાર વેગનર ગ્રુપ આફ્રિકાના દેશોમાં ફ્રાન્સ અને એ રીતે વેસ્ટર્ન ફ્રન્ટનો દબદબો ઓછો કરવામાં પ્રવૃત્ત હોવાની વાતો સામે આવી હતી. ચીન પણ આ દેશોને પોતાના કુખ્યાત ડેટ-ટ્રેપમાં ફસાવવામાં લાગ્યું છે. સવાલ એ ઊભો થાય કે, અત્યાર સુધી ભૂખ્યાં અને નગ્ન લોકોનો ખંડ હોવાની છાપથી ખરડાઈ ગયેલો આફ્રિકા ખંડ એકવીસમી સદીમાં કેમ આટલો મહત્વનો બની ગયો કે ચીન અને રશિયા ત્યાં પોતાનો પ્રભાવ વધારવામાં રસ દર્શાવે છે? અને જીઑપૉલિટિક્સમાં આવી રહેલા આ પલટામાં ભારત પોતાના હિત માટે શું અને કેવી રીતે કરશે? 

જવાબ સરળ છે. આફ્રિકાના દેશો અને ખાસ કરીને સાહેલ પટ્ટો સોનુ અને યુરેનિઅમ જેવી કિંમતી ખનીજ સંપત્તિઓથી ભરપૂર છે. ડાયમન્ડ અને ક્રુડ ઑઇલ ઉપરાંત લિથિયમ અને કૉબાલ્ટ જેવી મોડર્ન યુગની મહત્વની ધાતુઓની ખાણો પણ આફ્રિકામાં છે. આફ્રિકન દેશોની અસંતુલિત અર્થ અને રાજ્યવ્યવસ્થાને કારણે તાકતવર દેશો માટે આ ખનીજો પર અધિકાર સ્થાપવાનું સરળ બન્યું. બીજો જવાબ છે ત્યાંનું વિકસી રહેલું બજાર. વીસમી સદીમાં અંતિમ દાયકાઓથી લઈને આજ સુધીના સમયગાળામાં, ભારત અને ચીન પોતાની વધતી જતી જનસંખ્યાને કારણે એક વિશાળ બજાર તરીકે સ્થાપિત થઈ શક્યા અને આનાથી બંને દેશોને આર્થિક શક્તિ પ્રાપ્ત થઈ. આજે સ્થિતિ એ છે કે ફક્ત ચીન અને ભારતને જ નહીં, અન્ય દેશોને પણ નવા બજાર ખોલવાની જરૂરિયાત જણાઈ છે. ઘણા દેશો સાથે સંબંધો ખાટા કરી ચૂકેલા ચીન માટે આફ્રિકા ખંડ નવું ટારગેટ છે. ત્યાંનાં લોકોનું જીવનસ્તર ઉત્તરોતર ઊંચું આવતું જશે અને ધીમે ધીમે ઉપભોક્તાઓની સંખ્યા પણ વધશે. નવી પ્રૉડક્ટ અને નવી સર્વિસ માટેનો અવકાશ ખુલ્લો થશે. જો રાજકીય રીતે આફ્રિકન દેશો પ્રમાણમાં સંતુલિત રહેશે તો નજીકના ભવિષ્યમાં ત્યાં એક મોટું માર્કેટ ઊઘડશે. એટલે અત્યારથી જ ભારત માટે વિકાસના આગળના પગથિયા તરીકે આફ્રિકાના દેશો સાથે વિવિધ પ્રકારના વેપારના માર્ગો ખોલવાની આવશ્યકતા ઊભી થઈ છે. 

યુ.એન.માં આફ્રિકા ખંડના ૫૪ દેશો સામેલ છે, એટલે તેઓ ધારે તો સરવાળે એમનો અવાજ મોટો અને અવગણી ન શકાય એવો બની શકે. ત્યાંના શક્ય એટલા વધુ દેશો પર વર્ચસ્વ સ્થાપિત કરવાની નવી રમત મંડાઈ ચૂકી છે. રશિયાએ તો ફ્રાન્સ સામે પોતાનાં પ્યાદાં મેદાનમાં ઉતારી દીધા છે. આ સંભવિત નવા યુદ્ધક્ષેત્રમાં કપટથી કામ લેનારા ચીન વિરુદ્ધ ઊભેલા ભારત સામે ચતુરાઈ અને આફ્રિકન દેશો પ્રત્યે સદ્ભાવના રાખીને ચાલ ગોઠવવાનો પડકાર છે. 

ભારતના સમર્થક અને મિત્ર રાષ્ટ્રોમાં આફ્રિકન દેશો પણ જોડાશે તો ભારતનું પણ કદ વિશ્વમંચ પર હજુ વિશાળ થશે. આફ્રિકનો અને ભારતીયોની ગુલામીનાં વર્ષોની પીડા એકસરખી હોવાથી બંને વચ્ચે સહાનુભૂતિનો એક મજબૂત સંબંધ રચાવાની અને ચીનના ડેટ-ટ્રેપની હકીકતથી વાકેફ હોવાથી આ સ્પર્ધામાં ભારતનો હાથ ઉપર રહેવાની શક્યતા છે. ઉપરાંત, આફ્રિકાના દેશોમાં પાયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓના કાર્યો માટે ભારતે અવારનવાર લોન આપેલી અને કોરોના મહામારી જેવી કટોકટીમાં માનવતા દાખવી મદદ કરેલી હોવાથી એમની નજરમાં ભારતની ઇમેજ સારી ઘડાઈ છે. આ વિશ્વાસને આધાર બનાવી એક નવું બજાર સર કરવાની તક ભારતને મળી છે. દેશની વિકસી રહેલી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે પણ આફ્રિકન દેશો ગ્રાહક બની શકે એમ છે. મોરેશિયસ, મોઝામ્બિક અને સેશેલ્સ જેવા દેશો તો પહેલેથી જ આ યાદીમાં સામેલ છે અને ૨૦૨૫ સુધીમાં આપણા સંરક્ષણ ક્ષેત્રની નિકાસ પાંચ બિલિયન યુએસ ડૉલર સુધી પહોંચશે એવો અંદાજો છે. 

કૉન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થીઅરી કહે છે કે સેંકડો વર્ષો પહેલાં આફ્રિકા અને ભારત જોડાયેલા હતા. બંને સ્થળોનાં લોકો લાંબી ગુલામી ભોગવીને મુક્ત થયા પછી પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સતામણી કરનારી વિદેશી તાકતો સામે સતત સંઘર્ષમાં રહ્યા છે. ભારત જે પંથ પર ચાલીને આજે એક સમર્થ રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે, એ પંથ દુર્ભાગ્યે આફ્રિકાના ઘણા દેશો હજુ સુધી કાં તો પામ્યા નથી કાં તો પામ્યા પછી ધીમી ગતિએ ચાલી રહ્યા છે. એવામાં ભારત માનવીય વલણ દાખવી આફ્રિકન દેશોને સાથે લઈને આગળ વધવામાં સફળ થશે તો ત્યાંની પ્રજાની સુખાકારી વધશે. ત્યારે ફક્ત ભારતીય જ નહીં, પણ મનુષ્ય તરીકે આપણે એ સિદ્ધિનો ગર્વ લઈ શકીશું. 

hardik.sparsh@gmail.com