Site icon Revoi.in

બેંક સાથે છેતરપીંડી કેસમાં 20 બાદ અંતે આરોપી ઝડપાયો, કોર્ટે તેને મૃત જાહેર કર્યો હતો

Social Share

બેંગ્લોરઃ સીબીઆઈએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે છેલ્લા 20 વર્ષથી ફરાર હતો અને કોર્ટે તેને મૃત જાહેર પણ કર્યો હતો, પરંતુ આખરે તે સીબીઆઈના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપીની ઓળખ વી ચલપતિ રાવ તરીકે થઈ છે, જે એસબીઆઈ બેંક સાથે છેતરપીંડીના 20 વર્ષ પહેલાના કેસમાં આરોપી હતો. ધરપકડથી બચવા માટે તેણે પોતાના મૃત્યુનું નાટક કર્યું હતું,  અને પોતાની ઓળખ પણ બદલી અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. જો કે તે સીબીઆઈથી બચી શક્યો ન હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, CBIએ મે 2002માં ચલપતિ રાવ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ચલપતિ રાવ હૈદરાબાદ સ્થિત SBI બ્રાન્ચમાં કામ કરતો હતો. ચલપતિ પર તેના પરિવારના સભ્યો અને નજીકના સહયોગીઓના નામે બનાવેલી ઈલેક્ટ્રોનિક દુકાનના બનાવટી ક્વોટેશન અને નકલી પગાર પ્રમાણપત્રોના આધારે બેંક સાથે રૂ. 50 લાખની છેતરપિંડી કરવાનો આરોપ હતો. CBIએ 31 ડિસેમ્બર 2004ના રોજ ચલપતિ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ દરમિયાન ચલપતિ ફરાર થઈ ગયો હતો. ચલપતિની પત્નીએ તેના પતિના ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ફરાર આરોપીને મૃત જાહેર કરીને સિવિલ કોર્ટમાં અપીલ કરી હતી. સિવિલ કોર્ટે પણ આરોપીને મૃત જાહેર કર્યો હતો. જો કે, આરોપી જીવતો હતો અને સીબીઆઈથી બચવા માટે ઓળખ બદલીને સ્થળો બદલતો હતો.

ફરાર થવા દરમિયાન આરોપીએ માત્ર પોતાની ઓળખ જ બદલી ન હતી પરંતુ બીજી વખત લગ્ન પણ કર્યા હતા. આરોપીએ તેના આધાર કાર્ડ સહિત તમામ ઓળખ કાર્ડ બનાવટી બનાવડાવ્યાં હતા. આરોપી વર્ષ 2014 સુધી તમિલનાડુના સાલેમમાં રહેતો હતો. જે બાદ થોડો સમય ભોપાલમાં રોકાયા બાદ ઉત્તરાખંડ જતો રહ્યો હતો. આ દરમિયાન આરોપી દેશના વિવિધ રાજ્યોમાં ઓખળ બદલીને રહેતો હતો. દરમિયાન આરોપી એક વ્યક્તિ સાથે દરિયાઈ માર્ગે શ્રીલંકા ભાગી જવાની ફિરાકમાં હતો. ત્યારે સીબીઆઈએ તમિલનાડુના તિરુનેલવેલીના નરસિંહનાલ્લુર ગામમાંથી તેને ઝડપી લીધો હતો. એટલું જ નહીં કોર્ટમાં રજુ કરીને 16મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યાં હતા.