Site icon Revoi.in

સુરતમાં 5 કરોડની લૂંટ કેસમાં 4 શખસો ઝડપાયા બાદ થયા નવા ખૂલાશા

Social Share

 સુરતઃ શહેરના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10  દિવસ પહેલા પાંચ કરોડની લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટારૂ શખસોને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઊઠાવી હતી. 200થી વધુ પોલીસ કર્મચારીઓને સીસીટીવીની કૂટેજ તપાસવા કામે લગાડ્યા હતા. નેશનલ હાઈવે પરના ટોલબુથના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવ્યા હતા. અને લૂંટારૂ શખસોને પકડવા અન્ય જિલ્લાની પોલીસને પણ કામે લગાડી હતી, દરમિયાન પોલીસને લૂંટની રકમ સાથે 4 શખસોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આ શખસો પાસેથી 4 કરોડ 54 લાખ 32 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા ત્યારબાદ પોલીસે  વધુ એક આરોપીની ધરપકડ પણ કરી છે, જે આ લૂંટનો માસ્ટરમાઈન્ડ હતો. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેતા અનેક નવા ખૂલાશા થયા છે.

લૂંટારૂ શખસોના મુખ્ય સૂત્રાધારે ત્રણ મહિના પહેલા જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અને તેને અંજામ આપવા માટે 3 કારમાં કુલ 11 શખસો આવ્યા હતા. આ ઘટનામાં હાલ સુધી પાંચ આરોપીઓ ઝડપાયા છે જ્યારે અનય 6 આરોપીઓને ઝડપી પાડવા માટે મુંબઈમાં પણ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

લૂંટના બનાવની વિગત એવી હતી કે, ગઈ તા. 20મી સપ્ટેમ્બર, 2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના અઢી વાગ્યા આસપાસ હરીશ વાંકાવાલા નામના વેપારી સાથે 5 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ-અલગ થેલામાં 5 કરોડ રૂપિયા લઈને પોતાના ઘરથી 100 મીટર આગળ ગયા હતા ત્યારે અજાણ્યા 5 શખસોએ હરીશ વાંકાવાલાને ગાળો આપી, ઝપાઝપી કરી તેમને માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારી તેમની પાસે રહેલા પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.  એસોજી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. આ ઘટનાના પગલે 200થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ માં પોલીસને જાણવા મળ્યું હતું કે, GJ 05 CJ 0183 નંબરની કાર સુરતથી મુંબઈ નેશનલ હાઈ-વે તરફ જઈ રહી છે. તેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી હતી અને નાકાબંધી પોઇન્ટ એલર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસની સૂચના મળ્યા બાદ વલસાડ અને નવસારી પોલીસ સતર્ક થઈ હતી અને વલસાડ પોલીસ માહિતી મળી હતી કે, બગવાડા ટોલનાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી. તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે. તેથી વલસાડ પોલીસ દ્વારા ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કારમાંથી રોકડા રૂપિયા સાથે પોલીસે કયુમપાસા શેખ અને શૈલેન્દ્રસિંગ રાજપુતની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બીજી તરફ આ ગુનામાં બીજા જે આરોપીઓ સાથે સંકળાયેલા હતા તે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા. તે દરમિયાન ભીલાડ પાસે બંધ કન્ટેનર સાથે આ કારનો અકસ્માત થયો હતો અને જેમાં ત્રણ ઈસમોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ ત્રણેયને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે દીપક વૈતી, શૈલેષ ગાયકવાડની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી રાહુલ ભોઈરની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. તેની સ્થિતિ સારી થતા તેની ધરપકડ કરવામાં આવી હતી.