અમદાવાદઃ રાજયભરની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આજે ગુરૂવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેના પગલે 54 હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે.
ગુજરાતમાં આજે ગુરૂવારથી વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. આજે શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 માટે નવા નિયમ દાખલ કરાયા છે. ધોરણ 10 મા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. ધોરણ 10 બેઝીક ગણિત હશે. તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ અપાશે. 2024 -25 શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. નવી શિક્ષણ નિતિ પ્રમાણે શૈક્ષણિક વર્ષનો શુભારંભ કરાયો છે.
રાજયની 54 હજારથી વધુ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતા જ વિદ્યાર્થીઓ વેકેશનની મોજમજા બાદ ફરી અભ્યાસમાં લાગી ગયા છે. શાળાઓ શરૂ થતાની સાથે જ આગામી તા.27, 28 અને 29મી જુન એમ, ત્રણ દિવસ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આમ, ફરી એકવાર સ્કૂલ કેમ્પસ વિદ્યાર્થીઓથી ધમધમતુ બન્યુ છે. નવા શૈક્ષણિક વર્ષમાં ધો.11માં ગત વર્ષની સરખામણીમાં અંદાજે દોઢ લાખ જેટલા વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. સ્કૂલો શરૂ થતાની સાથે જ સ્કૂલવેન- રિક્ષા સહિતના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
રાજકોટની 40 જેટલી શાળાઓ ફાયર સેફટીના મામલે હજુ બંધ રહેવા પામેલ છે. જેમાં 15 ગ્રાન્ટેડ અને 25 જેટલી ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. રાજકોટમાં શાળા સંચાલકોએ જો શાળાઓના સીલ નહીં ખોલાય તો શિક્ષણ કાર્ય ઠપ્પ કરી દેવાની ધમકી આપી મ્યુ.કમિશ્ર્નર અને કલેકટરને રજૂઆત કરી હતી. જે બાદ શાળાઓ ખોલવાની શરતી મંજુરી આપવામાં આવી રહી છે.